સિંહસ્થ કુંભમાં સાધુઓની ચૂંટણી બની હિંસક : ફાયરિંગમાં 4 ઘાયલ

ઉજ્જૈન : મધ્યપ્રદેશનાં ઉજ્જૈનમાં ચાલી રહેલા સિંહસ્થ કુંભ દરમિયાન ગુરૂવારે આહ્વાન અખાડાની ચૂંટણી દરમિયાન સાધુઓ વચ્ચે હિંસા થઇ હતી. જેમાં બે ગ્રુપનાં સાધુઓએ આંતરિક ડખામાં ફાયરિંગ કરતા ચાર લોકો ઘાયલ થયા હતા. જો કે ઘાયલ થયેલાઓમાં સામાન્ય લોકો છે કે સાધુઓ તે અંગે હજી સુધી તંત્ર મગનું નામ મરી પાડવા તૈયાર નથી.

મળતી માહિતી અનુસાર આહ્વાન અખાડાની ચૂંટણી હિંસક બની હતી. જેમાં બે જુથના સાધુઓએ ફાયરિંગ કરવા ઉપરાંત ધારદાર હથિયારો જેવા કે ચીપીયો, ત્રિશુળ અને તલવારોનો ઉપયોગ કરીને હિંસા કરી હતી. હાલ તો ધર્ષણ દરમિયાન ઘાયલ થયેલા સાધુઓને જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવામાં આવ્યા છે. પોલીસે સંપુર્ણ પરિસ્થિતી કાબુમાં લઇ લીધી છે.

સરકારે તુરંત જ પગલા ભરતા અર્ધ લશ્કરી દળો અને પોલીસને કેમ્પ ખાતે ગોઠવી દેવામાં આવ્યા છે. અખાડાનાં મુખ્યમહંતની ચૂંટણીનાં આયોજન દરમિયાન આ માથાકુટ થઇ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે. જો કે એક અહેવાલ અનુસાર સાધુઓનો આંતરિક વિખવાદમાં સામાન્ય લોકોને કોઇ ઇજા થઇ નથી.

You might also like