U19WC સેમિફાઇનલ : પાકિસ્તાનને રગદોળી ભારતનો ફાઇનલમાં પ્રવેશ

ક્રાઇસ્ટચર્ચઃ ન્યૂઝીલેન્ડમાં રમાઈ રહેલા અંડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઇનલમાં ભારતે પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાનને કારમો પરાજય આપ્યો છે. અહીં રમાયેલી સેમિફાઇનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૭૨ રન બનાવ્યા હતા, જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ ફક્ત ૨૯.૩ ઓવરમાં ૬૯ રન બનાવીને ધરાશાયી થઈ જતાં ભારતનો ૨૦૩ રનના મોટા માર્જિન સાથે શાનદાર વિજય થયો હતો.

મેન ઓફ ધ મેચ જાહેર થયેલા શુભમાન ગિલની શાનદાર સદી (૯૪ બોલમાં ૧૦૨) અને ત્યાર બાદ ઈશાન પોરેલ (ચાર વિકેટ)ના શાનદાર બોલિંગ પ્રદર્શને પાકિસ્તાની ટીમને પત્તાંના મહેલની માફક વેરવિખેર કરી નાખી હતી.

તા. ૩ ફેબ્રુઆરીએ રમાનારી ફાઇનલમાં હવે ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. ટીમ ઇન્ડિયા આ પહેલાં આ ખિતાબ ત્રણ પોતાના નામે કરી ચૂક્યું છે. છઠ્ઠી વાર એવું બન્યું છે કે જ્યારે ભારતીય ટીમ અંડર-૧૯ વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી હોય. ગત વર્ષે પણ ભારતીય અંડર-૧૯ ટીમ ફાઇનલમાં પહોંચી હતી. ત્રીજી ફેબ્રુઆરીએ ભારતીય સમય અનુસાર સવારે ૬.૩૦ વાગ્યે શરૂ થશે.

ભારતીય બોલર્સ પાકિસ્તાનીઓ પર તૂટી પડ્યા
ભારતીય બોલર્સ પાકિસ્તાની બેટ્સમેનો પર રીતસર તૂટી પડ્યા હતા. શરૂઆતમાં ઈશાન પોરેલે પાકિસ્તાની બેટ્સમેનોને ઉપરાછાપરી ઝટકા આપ્યા બાદ શિવાસિંહ, રિયાનની સ્પિન જોડીએ પાકિસ્તાનની કમર તોડી નાખી હતી. શિવા અને રિયાને બે-બે વિકેટ ઝડપી હતી. અંકુર અને અભિષેકને પણ એક-એક વિકેટ મળી હતી.

ઈશાન પેરોલ સામે પાક.એ ઘૂંટણ ટેકવ્યા
૨૭૩ રનના લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી પાકિસ્તાની ટીમની શરૂઆત બહુ જ ખરાબ રહી હતી. ભારતીય ફાસ્ટ બોલર ઈશાન પોરેલે પાકિસ્તાનને શરૂઆતમાં જ ઉપરાછાપરી ચાર ઝટકા આપ્યા હતા. તેણે મેચની ચોથી ઓવરમાં જ પાકિસ્તાનને પ્રથમ ઝટકો આપ્યો હતો. ત્યાર બાદ આઠમી અને ૧૨મી ઓવરમાં પણ વિકેટ ઝડપી હતી. ઈશાને ઇમરાન શાહ, મોહંમદ ઝૈદ, અલી ઝરયેબ, અમ્માદ આલમને પેવેલિયન ભેગા કરી દીધા હતા.

ગિલની શાનદાર સદી
અગાઉ ભારતના કેપ્ટન પૃથ્વી શોએ ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યા બાદ ભારત તરફથી શાનદાર બેટિંગ કરતા શુભમાન ગિલે સદી ફટકારી હતી. માત્ર ૯૪ બોલમાં શુભમાન ગિલે ૧૦૨ રનની અણનમ ઇનિંગ્સ રમી. તેણે પોતાની ઇનિંગ્સ દરમિયાન સાત ચોગ્ગા પણ ફટકાર્યા.

ગિલ આઇસીસી અંડર-૧૯ વર્લ્ડકપ ૨૦૧૮માં સદી ફટકારનારો પહેલો ભારતીય બેટ્સમેન બન્યો એટલું જ તે અંડર-૧૯ વર્લ્ડકપમાં ભારત-પાક. વચ્ચેની મેચમાં સદી ફટકારનારો પણ પ્રથમ બેટ્સમેન બન્યો. આ અગાઉનો સર્વોચ્ચ સ્કોર સલમાન બટ્ટે ૨૦૦૨માં બનાવ્યો હતો. ત્યારે બટે અણનમ ૮૫ રનની ઇનિંગ્સ રમી હતી. ગિલ અંડર-૧૯ વર્લ્ડકપમાં સૌથી ઝડપી સદી ફટકારનારો ત્રીજા નંબરનો ભારતીય બેટ્સમેન પણ બન્યો.

આ પહેલાં કેપ્ટન પૃથ્વી શો (૪૧) અને મનજોત કાલરા (૪૭)એ ટીમ ઇન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી હતી. બંને ઓપનર વચ્ચે ૮૯ રનની ભાગીદારી નોંધાઈ. આ ઉપરાંત ભારત તરફથી હાર્વિક (૨૦), અનુકુલ (૩૩)એ પણ શુભમાન ગિલને સાથ આપતા ભારત ૨૭૨ રનના સ્કોર સુધી પહોંચી ગયું હતું.

સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન
ત્રણ વારની ચેમ્પિયન ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં શાનદાર પ્રદર્શન કરતાં બધી જ – ચારેય મેચ જીતી લીધી છે, જેમાં બાંગ્લાદેશ સામેની ક્વાર્ટર ફાઇનલ મેચ પણ સામેલ છે, જ્યારે બે વાર ચેમ્પિયન બનેલી પાકિસ્તાની ટીમની સફર આ ટૂર્નામેન્ટના ઉતાર-ચઢાવવાળી રહી હતી. અફઘાનિસ્તાને પાક.ને પ્રથમ મેચમાં જ હરાવી દીધું હતું, પરંતુ ત્યાર બાદ પાકિસ્તાને સતત ત્રણ મેચ જીતી લઈને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

You might also like