U-19 કયા ભારતીય ખેલાડી પર લાગ્યો ઓવરએજનો આક્ષેપ..

રાંચીઃ ભારતને અંડર-૧૯ ક્રિકેટ વિશ્વકપમાં ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા ખેલાડી દેશના હીરો બની ગયા છે, પરંતુ ટીમમાં સામેલ અનુકૂલ રોય પર ઉંમર વધુ હોવાનો આરોપ લાગ્યો છે.

અનુકૂલ ઉપરાંત ટીમ મેનેજર રાજેશ વર્મા ઉર્ફે બોબી સામે ક્રિકેટ એસોસિીએેશન ઓફ બિહારના સચિવ આદિત્ય વર્માએ મોરચો ખોલતા ICC અધ્યક્ષ શશાંક મનોહરનો ફરિયાદ કરી છે.

ICC અધ્યક્ષ શશાંક મનોહર અને BCCIના સીઓએ વિનોદ રાયને પત્ર લખીને વર્માએ અનુકૂલની વધુ ઉંમર હોવા છતાં અંડર-૧૯ વિશ્વકપ ટીમમાં સામેલ કરીને નિયમનું ઉલ્લંઘન થયાનું જણાવ્યું છે. સાથે સાથે ટીમના મેનેજર રાજેશ વર્મા વર્તમાનમાં ઝારખંડ રાજ્ય ક્રિકેટ સંઘના કોઈ પદ પર નથી તેમ છતાં તેને ભારતીય ટીમનો મેનેજર બનાવીને ખોટો સંદેશ આપ્યો છે.

વર્માએ પત્ર દ્વારા જણાવ્યું છે કે બીસીસીઆઇ દ્વારા ૨૦૧૩માં ‘એજ વેરિફિકેશન’ કરવામાં આવ્યું હતું. આમાં અનુકૂલ અંડર-૧૯ ટૂર્નામેન્ટ રમવા માયે અયોગ્ય જણાયો હતો. ઉંમરની તપાસમાં એ સમયે ઝારખંડના ૩૩ ખેલાડીઓ વધુ ઉંમરના જણાયા હતા, જેમાં અનુકૂલ પણ સામેલ હતો.

વર્માએ આઇસીસી અને બીસીસીઆઇને આ અંગે સ્થિતિ સ્પષ્ટ કરવાની અપીલ કરી છે. જો આમ ના થયું તો આદિત્ય વર્માએ સુપ્રીમ કોર્ટમાં જવાની ચીમકી આપી છે. ઉલ્લેખનીય છે કે આ આદિત્ય વર્મા એ જ વ્યક્તિ છે, જેમણે આઇપીએલનું ફિક્સિંગ કૌભાંડ ઉજાગર કર્યું હતું.

You might also like