Ahmedabad: ઘુમાની સોસાયટીમાંથી બે કૂતરાં ગાયબ થતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

અમદાવાદ: સામાન્ય રીતે સોસાયટીમાં રહીશો પાણી, રસ્તા, કચરો નાખવા તેમજ સોસાયટીના કોઇ પ્રશ્નને લઇને ઝઘડતા હોય છે અને તેમાં મુદ્દો બની જતાં પોલીસ સોસાયટીમાં બોલાવવી પડે છે, પરંતુ ઘુમા વિસ્તારમાં આવેેલા ભાગવત બંગલોઝમાં કૂતરાના કારણે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી અને સોસાયટીમાં જ રહેતી એક વ્યકિત વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સોસાયટીમાં ત્રણ કૂતરાંની સારસંભાળ રાખતી યુવતીના કે કૂતરાંને સોસાયટીના જ અેક રહીશ ટેમ્પામાં સાણંદ નજીક મૂકી આવ્યા હતા. યુવતીએ કૂતરાને સોસાયટીમાં પરત લાવવાનું કહ્યું હતું, પરંતુ કૂતરા મળી ન આવતાં યુવતીએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ઘુમા-શેલા રોડ પર આવેલા ભાગવત બંગલોઝમાં નંદીતાબહેન રાજપૂત રહે છે. ભાગવત બંગલોઝમાં આજુબાજુ આવેલી ૮થી ૧૦ સોસાયટીનાં કૂતરાં આવે છે, જેમાં ત્રણ કૂતરાંની નંદીતાબહેન સારસંભાળ રાખે છે. સ્નોઇ, કાલિયા અને શેરુ નામના ત્રણ કૂતરાં માટે તેઓએ તેમના ઘરની બહાર પાણી પીવાનું કુંડું અને દરરોજ ખાવા માટે રોટલી, દૂધ, ભાત, ઇંડાં વગેરે રાખ્યાં છે.

પ એપ્રિલના રોજ નંદીતાબહેનના મોબાઇલ ફોન પર તેમના ભાઇ અને સોસાયટીમાં રહેતાં ભારતીબહેનનો ફોન આવ્યો હતો કે સોસાયટીમાં એક નંબરના બંગલામાં રહેતા કિરીટભાઇ દિનેશચંદ્ર ઠક્કર સફેદ કલરના ટેમ્પામાં તમારાં ત્રણ કૂતરાંને ભરીને કોઇ જગ્યાએ લઇ જાય છે.

ફોન આવતાં જ નંદીતાબહેન પોતાની માતા સાથે ઘરે આવ્યાં હતાં. સોસાયટીમાં ઘરે આવીને જોતાં ત્રણ કૂતરાં પૈકી શેરુ નામનો કૂતરો ઘરે પરત આવી ગયો હતો, પરંતુ સ્નોઇ અને કાલિયા નામનાં કૂતરાં જોવા મળ્યાં ન હતાં.

સોસાયટીમાં જ્યારે નંદીતાબહેન આવતાં હતાં ત્યારે ટેમ્પામાં કૂતરાંને જતાં જોયાં હતાં, પરંતુ કિરીટભાઇ ટેમ્પામાં નહોતા. સોસાયટીમાં બેઠેલા લોકોને નંદીતાબહેને જણાવ્યું હતું કે કિરીટભાઇ તેમના ટેમ્પામાં બે કૂતરાં લઇ ગયા છે તે પાછા મંગાવી લો, જોકે પરત ન મંગાવતાં નંદીતાબહેને પોલીસને જાણ કરી હતી.

બોપલ પોલીસ ભાગવત બંગલોઝમાં આવી હતી. પોલીસે કિરીટભાઇને કૂતરાં જ્યાં મૂકી આવ્યા હોય ત્યાંથી પાછા લાવી આપવા સમજાવ્યા હતા. સાણંદ તરફ મૂકી આવ્યા હોઇ નંદીતાબહેન અને કિરીટભાઇનો પુત્ર તથા જે ટેમ્પોચાલક ટેમ્પામાં મૂકી આવ્યો હતો તે સાણંદ ખાતે કૂતરાંને શોધવા ગયા હતા, પરંતુ બંને કૂતરાં મળ્યાં ન હતાં,

જોકે આ અંગે નંદીતાબહેને બોપલ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. ર૦ દિવસ બાદ પણ બંને કૂતરાં ન મળી આવતાં નંદીતાબહેને કિરીટભાઇ વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવતાં બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બોપલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અને તપાસ અધિકારી મનોજભાઇ લખાભાઇએ જણાવ્યું હતું કે ટેમ્પામાં બે કૂતરાં લઇ ગયા હોવાની વાત છે. સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ કિરીટભાઇ જ કૂતરાંને મૂકી આવ્યા હોય તેવી જોનાર કોઇ વ્યકિત મળી આવી નથી.

You might also like