બે બાઇક સામ સામે અથડાતાં ગમખ્વાર અકસ્માતઃ ત્રણ યુવાનનાં મોત

અમદાવાદ: બાવળા નજીક દેવ-ધોલેરા રોડ પર બલદાણા પેટ્રોલપંપ સામે બે બાઇક સામસામે અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવાનનાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યાં મોત નીપજ્યા હોવાનું અને એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળે છે.

આ અંગેની વિગત એવી છે કે બાવળા તાલુકાના દેવ-ધોલેરામાં રહેતા અને ખાનગી કંપનીમાં સિક્યોરિટી તરીકે નોકરી કરતા જીવણભાઇ વાઘેલાનો પુત્ર શૈલેષ ગઇકાલે સાંજે બાઇકમાં પેટ્રોલ પુરાવવા જતો હતો ત્યારે બલદાણા સ્કૂલ પાસે સામેથી બાઇક પર ત્રણ સવારી બેસી આવી રહેલા યુવાનોનું બાઇક સાથે તેનું બાઇક અથડાતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

જેમાં શૈલેષ તેમજ મહેશ અને પ્રકાશ નામના ત્રણ યુવાનનાં મોત થયા હતા જ્યારે અજય નામના યુવાનને ગંભીર ઇજા થતા તેને બાવળાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાના પગલે લોકોનાં ટોળાં ભેગા થયા હતા.

બનાવની જાણ થતા પોલીસે તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી જઇ ત્રણેય લાશને પીએમ માટે મોકલી આપી આ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઇન્ચાર્જ TDOની કાર-બાઇક વચ્ચે અકસ્માતઃ બેનાં મોત, ત્રણને ઇજા
ભિલોડા-વિજયનગર રોડ પર ધોલવાણી નર્સરી પાસે કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોનાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યાં મોત થયા હતા જ્યારે ત્રણને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ભિલોડા નજીક આવેલા ધનસોર ગામના ત્રણ યુવાનો બાઇક પર ભિલોડા તરફ જઇ રહ્યા હતા ત્યારે ભિલોડા-વિજયનગર રોડ પર ધોલવાણી નર્સરી પાસે સામેથી આવી રહેલી ભિલોડા તાલુકા પંચાયતના ઇન્ચાર્જ ટીડીઓની કાર સાથે બાઇક જોરદાર ધડાકા સાથે અથડાતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

જેમાં હાર્દિક જગદીશભાઇ અસારી (ઉ.વ.૧૮), અમિત રઘજીભાઇ અસારી (ઉ.ર૦) આ બંને યુવાનોને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ધવલ અસારી સહિત ત્રણને ઇજા પહોંચતા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

You might also like