Facebook પર મ્યુનિસિપલ કમિશનરનું ફેક એકાઉન્ટ બનાવી ઠગાઈનો પ્રયાસ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર મૂકેશકુમારનું ફેસબુક પર ફેક એકાઉન્ટ કોઈ અજાણી વ્યક્તિએ બનાવીને તેમના નામથી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલાવી હતી તેમજ મુકેશકુમારના મિત્રો પાસે પેટીએમથી નાણાના ટ્રાન્સફરની માંગ કરી હતી. જોકે ગઈ કાલે મોડી રાતે કમિશનરના ધ્યાનમાં આ બાબત આવતાં તેમને ખુલાસો કરવાની ફરજ પડી છે.

ફેસબુક અને ટ્વિટર જેવા માધ્યમ પર લેભાગુ તત્ત્વો દ્વારા જે તે વ્યક્તિનાં નકલી એકાઉન્ટ બનાવીને તેમની છેતરપિંડી કરાતી હોવાના કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવે છે, પરંતુ ગઈ કાલે તો મ્યુનિસિપલ કમિશનર મૂકેશકુમાર આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બનતાં ચકચાર મચી ગઈ છે. કોઈ અજાણી વ્યક્તિએ મૂકેશકુમારના નામનું ફેસબુક પર નકલી એકાઉન્ટ બનાવીને આ વ્યક્તિએ નકલી એકાઉન્ટ પરથી અન્ય લોકોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી.

ફક્ત ફ્રે્ન્ડ રિક્વેસ્ટ મોકલાવીને આ ઠગે સંતોષ નહોતો માન્યો, પરંતુ મૂકેશકુમારના મિત્રો પાસે પેટીએમથી નાણા ટ્રાન્સફરની માગ કરી હતી.

પોતાના ફેસબુક પર નકલી એકાઉન્ટ બનાવાયું હોવાની બાબતની જાણ થતાં ખુદ મૂકેશકુમારને ગઈ કાલે મોડી રાતે પોતાના એકાઉન્ટની ફેસબુક વોલ પર ખુલાસો કરવો પડ્યો હતો, જેમાં મૂકેશકુમારે જણાવ્યું હતું કે મને હમણાં જ મારા ફેક એકાઉન્ટની જાણ થઈ છે.

મારા નામથી બનાવાયેલા ફેક એકાઉન્ટથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલાવાઈ છે તેમજ કેટલાક પાસે પેટીએમથી રૂપિયા ટ્રાન્સફરની માગ પણ કરાઈ છે તો મહેરબાની કરીને આ એકાઉન્ટની ફેસબુકને જાણ કરશો અને આ પ્રકારની જાળમાં ફસાશો નહીં. મૂકેશકુમારે આ ફેક એકાઉન્ટને બ્લોક કરવાની સૂચના પણ અધિકારીઓને આપી છે.

You might also like