SpaceX આજે દુનિયાનું સૌથી પાવરફૂલ રોકેટ લોન્ચ કરશે

મિયામી: અમેરિકાની પ્રાઈવેટ SpaceX કંપની આજે પોતાનું ફાલ્કન હેવી રોકેટ અંતરિક્ષમાં મોકલશે. કંપનીનો દાવો છે કે આ અત્યાર સુધીનું પાવરફૂલ રોકેટ છે, તેનાથી આગામી સમયમાં લોકો ચંદ્ર અને મંગળ પર જઈ શકશે. હાલ તેમાં ફ્યૂચરનું સ્પેસ સૂટ પહેરેલું એક પૂતળું અને કંપનીના માલિક એલન મસ્કની ચેરી રેડ કલરની ટેસ્લા કાર મોકલવામાં આવી રહી છે.

આ ફાલ્કન હેવી રોકેટનું એન્જિન ૨૭ મર્લિન-૧ડી છે, તેનું વજન ૬૩.૮ ટન છે, જે સ્પેસ શટલની સમકક્ષ છે. આ રોકેટ ૬૪ ટન માલવહન કરી શકે છે, તેની કુલ તાકાત ૫૦ લાખ ટન પાવરની છે, જે ૧૮ એરક્રાફ્ટ-૭૪૭ની સમકક્ષ છે.

SpaceX કંપની ટેસ્ટિંગ માટે આ રોકેટને ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી ભારતીય સમય મુજબ મોડી રાતના ૧૨.૦૦ વાગ્યે લોન્ચ કરશે. એલન મસ્કના જણાવ્યા પ્રમાણે આ રોકેટ ભ્રમણકક્ષામાં પહોંચ્યા બાદ પ્રતિસેકન્ડ ૧૧ કિ.મી.ની ઝડપે દોડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે SpaceX કંપની અગાઉ બે વાર ઉપયોગ કરવામાં આવેલા રોકેટનું સફળ ટેસ્ટિંગ કરી ચૂકી છે. રશિયા, જાપાન અને યુરોપની સ્પેસ એજન્સીઓ આ ટેક્નોલોજી પર કામ કરી રહી છે, જે હાલ ટેસ્ટિંગ સ્ટેજમાં છે. વાસ્તવમાં સ્પેસમાં કોઈ સેટેલાઈટને મોકલવા માટે રોકેટનો ઉપયોગ કરવામાં આવે છે.

કોઈ પ્રોગ્રામની કોસ્ટનો મોટો ભાગ રોકેટ પાછળ ખર્ચવામાં આવે છે. SpaceX કંપની લાંબા સમયથી એવા રોકેટ પર પ્રયોગ કરી રહી હતી કે જેનો એકથી વધુ વખત ઉપયોગ થઈ શકે. હવે આ પ્રયોગ સફળ થયો છે.

You might also like