હાર્દિકનાં દિનેશ સહિતનાં ત્રણેય સાથીદારોને જામીન

અમદાવાદ : પાટીદાર અનામત આંદોલન મુદ્દે રાજદ્રોહનાં કેસમાં જેલવાસ ભોગવી રહેલા કેતન પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ બાંભણીયાને જામીન મળ્યા બાદ આજે જેલમાંથી બહાર આવ્યા હતા. આ ત્રણેય પાટીદારોનું સ્વાગત કરવા માટે સવારથી જ સાબરમતી જેલની બહાર મોટા પ્રમાણમાં પરિવાર સહિતનાં પાટીદારો હાજર રહ્યા હતા. જેલ બહાર આવતા જ ત્રણેય યુવાનોનું મીઠાઇ ખવડાવીને, ફુલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગુરૂવારે કાયમી જામીન અરજીની સુનવણીમાં હાઇકોર્ટનાં ન્યાયમૂર્તિ એ.જે દેસાઇએ કેતન, ચિરાગ અને દિનેશનાં જામીન મંજુર રાખ્યા હતા. કાયદો વ્યવસ્થાનો ભંગ થાય કે અડચણ ઉભી થાય તેવી પ્રવૃતિમાં સંડોવાશે નહી, તેવી લેખીત બાંહેધરી આપ્યા બાદ હાઇકોર્ટે અરજી મંજુર કરી હતી. બીજીતરફ રાજદ્રોહ કેસમાં આરોપી વિપુલ દેસાઇ અને ચિરાગ દેસાઇને સુરતનાં મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશે પણ જામીન મુક્ત કર્યા હતા.

આરોપીઓ સામે વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી રિપોર્ટ સિવાય અન્ય કોઇ મજબુત પુરાવા ન હોવાનું કોર્ટે ટાંક્યું હતું. જીએમડીસી ગ્રાઉન્ડમાં હાર્દિકનાં ભાષણ બાદ રાજ્યભરમાં તોફાન ફાટી નિકળ્યા હતા. જેને પગલે હાર્દિક સહિતનાં ચારેય આગેવાન સામે રાજદ્રોહનો ગુનો નોંધીને ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. ચારેય નેતા ઓક્ટોબર, 2015થી જેલવાસ ભોગવી રહ્યા છે. લાંબા સમયથી વિવિધ કોર્ટમાં લડક આપ્યા બાદ ત્રણનાં જામીન મંજુર થયા છે. જ્યારે હાર્દિકનાં જામીન સામે તો હજી પણ પ્રશ્નાર્થ છે.

You might also like