બોપલના સ્ટ્રર્લિંગ સિટીમાં તસ્કરોનો તરખાટ, પરિવારજનો પર હુમલો કરી ફરાર

અમદાવાદ: શહેરના છેવાડે આવેલા બોપલ જેવા પોશ વિસ્તારમાં ચોર ટોળકીઓનો ત્રાસ ફરી વાર જોવા મળ્યો છે. બોપલના સ્ટર્લિંગ સિટીમાં આવેલા મકાનમાં મોડી રાતે ચોર ટોળકીએ ઘૂસી જઇ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે પરિવારજનો જાગી જતાં ટોળકી પરિવારજનો પર હુમલો કરી ફરાર થઇ ગઇ હતી. ચોર ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. બોપલ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

બોપલ વિસ્તારમાં આવેલા સ્ટર્લિંગ સિટીના ઇ બ્લોકમાં રઘબીરસિંહ તરલોકસિંહ ડાંગ (ઉ.વ. ૬૪) એમના પરિવાર સાથે રહે છે. સોમવારે રાત્રે ૧૦ વાગ્યે પરિવારજનો જમી-પરવારી સૂઇ ગયાં હતાં. વહેલી સવારના ત્રણ વાગ્યે થલતેજના ગુરુદ્વારા ખાતે રઘબીરસિંહને જવાનું હોવાથી તેઓએ ર-પ૦ કલાકનું એલાર્મ મૂક્યું હતું. ર-પ૦ કલાકે એલાર્મ વાગતાં તેઓ ઊઠી ગયા હતા. ઘરના હોલમાંથી કંઇક ખખડવાનો અવાજ આવતાં તેઓ હોલમાં ગયા હતા. ત્યાં જઇ કોણ છે તેવી બૂમ પાડતાં રૂમના પડદા પાછળ છુપાયેલા ચાર જેટલા અજાણ્યા શખસોએ અચાનક જ હુમલો કર્યો હતો.

રઘબીરસિંહે બૂમાબૂમ કરતાં તેમનાં પત્ની અને પુત્ર સફાળા જાગીને હોલમાં દોડી આવ્યાં હતાં. હોલમાં રહેલી બારીની ગ્રિલ તોડી ચોર ટોળકી જ્યાંથી પ્રવેશી હતી ત્યાંથી ફરાર થઇ ગઇ હતી. બૂમાબૂમ થતાં આડોશપાડોશમાં રહેતા લોકો પણ જાગી ગયા હતા અને દોડી આવ્યા હતા. આ અંગે કોઇએ પોલીસને જાણ કરાતાં નાઇટ પેટ્રોલિંગમાં રહેલી બોપલ પોલીસ તાત્કા‌િલક સ્ટર્લિંગ સિટી ખાતે દોડી આવી હતી.

કોઇ ચાર જેટલા અજાણ્યા શખસો રૂમની બારીની ગ્રિલ તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. ચોર ટોળકીએ ઘરમાં ચોરી કરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ સદ્નસીબે ઘરમાં ચોર ટોળકી ચોરી કરી રહી ત્યારે એલાર્મ વાગતાં પરિવારજનો જાગી ગયાં હતાં અને ચોરી થતાં અટકી ગઇ હતી. ઘરમાં સીસીટીવી કેમેરા લાગેલા હોવાથી ચોર ટોળકી આ સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે બોપલ વિસ્તારમાં ચોર ટોળકીનો ખૂબ જ ત્રાસ છે. છેલ્લા કેટલાય સમયથી ચડ્ડી-બનિયાનધારી ગેંગ પોશ બંગલા તેમજ ફલેટોમાં ત્રાટકે છે અને ચોરી કરી ફરાર થઇ જાય છે. આ વિસ્તારમાં સિક્યોરિટી પણ હોય છે છતાં ટોળકી ચોરી કરવામાં સફળ થઇ જાય છે. ચોરી કરતી વખતે જો કોઇ વ્યક્તિ આવી જાય તો તેમના પર પથ્થર અથવા હથિયારો વડે હુમલો પણ કરી બેસે છે. ભૂતકાળમાં આવા અસંખ્ય બનાવો બની ચૂકયા છે છતાં પોલીસ આવા બનાવોને રોકવામાં નિષ્ફળ રહી છે.

બોપલ વિસ્તારમાં આવા ચોરીના બનાવોના પગલે રહીશોમાં ભારે રોષ ઊઠ્યો છે. પોલીસનું નાઇટ પેટ્રોલિંગ હોવા છતાં આવા ચોરીના બનાવો બનતાં બોપલવાસીઓને પોલીસ પર ભરોસો રહ્યો નથી. બે મહિના અગાઉ આવી ચોરીના બનાવ વધતાં ખુદ બોપલવાસીઓ હવે રાત્રે જાગીને હથિયારો સાથે ચોકી-પહેરો કરી રહ્યા છે. ફરી એક વાર આવી ચોર ટોળકીઓનો ત્રાસ વધતાં બોપલ પોલીસની નિષ્ફળતા સામે આવી છે.

You might also like