Ahmedabadમાં 1 જુલાઈ સુધી ભારે વરસાદ પડવાની શકયતા નથી

અમદાવાદ: શહેરમાં ગઇ કાલે પરોઢિયે વરસાદ પડતાં નાગરિકો હરખાયાં હતાં. એક પ્રકારે શહેરમાં ચોમાસું આવી ગયું હોય તેવો માહોલ સર્જાયો છે. જોકે સ્થાનિક હવામાન વિભાગની આગાહી જોઇએ તો અમદાવાદમાં આગામી ૧ જુલાઇ સુધી વરસાદ માહોલ યથાવત્ રહેશે પરંતુ ભારે વરસાદ પડવાની હાલ કોઇ શકયતા નથી.

લાંબા સમયથી વાતાવરણમાં બફારો અનુભવતા નાગરિકોને ગઇ કાલના વરસાદથી ઠંડક અનુભવી છે. પરંતુ સામાન્ય વરસાદના પાણી પણ કલાકો સુધી જે તે વિસ્તારમાં ભરાઇ જતાં લોકો મુસીબતમાં મુકાયા હતા. રાજ્યના કેટલાક વિસ્તારમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં અમદાવાદમાં ભારે વરસાદ તૂટી પડશે તેવી ચર્ચા ઊઠી હતી.

જો કે સ્થાનિક હવામાન વિભાગનાં સૂત્રો કહે છે કે આગામી તારીખ ૧ જુલાઇ સુધી શહેરમાં હળવો વરસાદ પડશે. પરંતુ ભારે વરસાદની શકયતા નથી. જો કે રાજ્ય દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારીમાં આગામી ર૭ જૂનની સવારના ૮ વાગ્યા સુધી ભારે થી અતિ ભારે વરસાદ પડે તેવી શકયતા છે.

You might also like