બેફામ સ્પીડમાં ટ્રેલર બે દુકાન તોડી દીવાલ સાથે અથડાયુંઃ એકનું મોત

અમદાવાદ: શહેરના ગોતા બ્રિજ નજીક આજે વહેલી સવારે ઝીણી કપચી ભરેલા ટ્રેલર ચાલકે બેફામ ગતિઅે ટ્રેલર ચલાવી કાર વોશિંગના ગેરેજમાં ટ્રેલર ઘુસાડી દેતાં બહાર સૂતેલા સિકયોરિટી ગાર્ડનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતંુ. અકસ્માત એટલો ગંભીર હતી કે ટ્રેલરએ આસપાસની ત્રણ દુકાનોને નુકસાન કરી ૩૦થી ૪૦ ફૂટ જેટલું અંદર ઘૂસી ગયું હતું. અકસ્માત બાદ ટ્રેલર ચાલક ફરાર થઇ ગયો હતો.

એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ અંગેની વિગત એવી છે કે એસજી હાઇવે પર ગોતા બ્રિજ નજીક પેટ્રોલ પંપની સામે સ્ટાર ઇકોગ્રીન એનર્જી સોલ્યુશન નામનું કાર વોશિંગનું ગેરેજ આવેલું છે. ગેરેજની બાજુમાં સ્ટાર કેફે અને ન્યૂ એગવર્લ્ડ નામની ફાસ્ટફૂડની દુકાન આવેલી છે.

ગેરેજમાં ઓમપ્રકાશ બબ્બનભાઇ પાંડે (ઉં.વ.૪૮, રહે.ગોતા હાઉસિંગ બોર્ડ, ગોતા) સિકયોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. ગઇ કાલે રાત્રે તેઓ ગેરેજની બહાર ખાટલામાં સૂતા હતા. દરમિયાનમાં વહેલી સવારે ગાંધીનગર તરફથી ગોતા બ્રિજ ઉતરી ઝીણી કપચી ભરેલું અેક ટ્રેલર બેફામ ગતિએ ગેરેજ તરફ આવ્યું હતું અને બહાર સૂતેલા ઓમપ્રકાશને ટક્કર મારી દરવાજો તોડી બાજુમાં આવેલી એગવર્લ્ડની દુકાનમાં ઘૂસી ગયું હતું.

આ અકસ્માતમાં ઓમપ્રકાશને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેઓનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેલર બે દુકાનો તોડી સામે આવેલી દીવાલને અથડાયું હતું.

ટ્રેલરનો આગળનો ભાગ પણ દબાઇ ગયો હતો. અકસ્માત બાદ ટ્રેલરચાલક ત્યાંથી નાસી છૂટયો હતો. ટ્રેલરનો આગળનો ભાગ દીવાલ સાથે અથડાતાં કૂચો થઇ ગયો હોવા છતાં પણ ટ્રેલર ચાલક બચી ગયો હતો.

ઘટનાની જાણ થતાં એ ડિવિઝન ટ્રાફિક પોલીસ અને ગેરેજના માલિક તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસને ઘટનાસ્થળેથી બે મોબાઇલ ફોન પણ મળી આવ્યા છે. પોલીસને આશંકા છે કે ટ્રકમાં ડ્રાઇવર અને કલીનર બંને હતા. જોકે સદનસીબે તેઓ બચી ગયા હોઇને નાસી ગયા હોઇ શકે.

ટ્રેલર એટલી બેફામ ગતિએ ગેરેજ તરફ આવ્યું હતું કે બહાર પાર્ક કરેલું બાઇક ર૦ ફૂટ અંદર જતું રહ્યું હતું અને ખાટલો પણ ટ્રેલર સાથે બાજુની દુકાનની દીવાલમાં દબાઇ ગયો હતો. રાજસ્થાન પાસિંગના ટ્રેલર ચાલકને ઝોકું આવી જતાં અથવા તો દારૂ પીધેલી હાલતમાં હોઇ ટ્રેલર હાઇવે પરથી સર્વિસ રોડ પર લાવી ગેરેજમાં ઘૂસાડી દીધું હોઇ શકે.

અથવા તો ટ્રેલરની બ્રેક ફેઇલ થઇ જતાં આ બનાવ બન્યો હોઇ શકે છે. એ ડિવિઝન ટ્રાફિક પોલીસે હાલમાં ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

You might also like