ઘેલો નદી કાંઠે આવેલ ઘેલા સોમનાથ સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશનું તીર્થધામ

ઘેલા સોમનાથ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશનું તીર્થધામ છે. જસદણ અને વીંછિયાની વચ્ચે ઠાંગા અને મદાવાની પડખે કુદરતી સૌંદર્ય ધરાવતું આ સ્થાનક આવેલું છે. તેમજ જસદણથી એક માર્ગ હિંગોળગઢ તરફ ફંટાય છે.

આ હિંગોળગઢમાં પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય આવેલું છે. જ્યાં યાયાવર પક્ષીઓ પણ આવે છે. સૌરાષ્ટ્રનું કુદરતી ધામ હિંગોળગઢ અને શિવધામ ઘેલા સોમનાથ એકબીજાથી નજીકમાં આવેલાં છે. ચોમાસામાં ઘેલા સોમનાથનું પ્રાકૃતિક સૌંદર્ય અનેરું છે.

કથા
ઉન્મત ગંગા (ઘેલો) નદીને કાંઠે આવેલ આ મંદિરનો આગવો ઇતિહાસ છે. જે કથા પ્રચલિત છે તે પ્રમાણે તે મુજબ ગુજરાતમાં મુસ્લિમ સુબા મઝહરખાન ઉર્ફે મુઝફ્ફરશાહની આણ પ્રવર્તતી હતી. જૂનાગઢની ગાદીએ ચુડાસમા રા’નું શાસન હતું.

ચંદ્રએ પણ જેની આરાધના કરી હતી તેવા સોમનાથ પર રા’ની પુત્રી મીનળદેવીને અનન્ય ભક્તિભાવ હતો. પોતાનું નિવાસ પણ તેણે સોમનાથથી થોડે દૂર હિરણ નદીને કાંઠે રાખેલું અને દિવસમાં બે વખત શંકરની શ્રદ્ધાપૂર્વક પૂજા કરતી હતી.

અલાઉદીન ખિલજીના સરદારના આક્રમણથી તૂટેલા સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો. મંદિરે તેની મૂળ પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કરી હતી. તેવા સમયે ઝફરખાને મંદિરની કીર્તિ સાંભળી અને તેના મનમાં સોમનાથ મંદિર ઉપર ચડાઈ કરવાની ઈચ્છા થઈ.

જૂનાગઢના રા’ને આ વાતની પોતાના ગુપ્તચરો મારફત જાણ થતાં સોમનાથના રક્ષણ માટે ક્ષત્રિયને આહવાન આપ્યું. ઝફરખાન સામેના એ ઇતિહાસ પ્રસિદ્ધ યુદ્ધમાં ક્ષત્રિય અને શુરવીર યોદ્ધાઓએ અપ્રતીમ શૌર્ય દાખવી શિવલિંગની રક્ષા કરી. એ સૌમાં શિરમોર રહ્યા અરઠીલાના હમીરજી ગોહિલ. સૌરાષ્ટ્રની રોળાઈ ગયેલી રાજપૂતીને તેમણે નવું જોમ આપ્યુ. તે સમયે દેવળના પ્રાંગણમાં છેલ્લું યુદ્ધ ખેલાઈ રહ્યું છે.

સોમૈયાના એક એક રખેવાળ જીવતી દીવાલ બનીને ઝફરખાનના સૈન્ય સામે અડીખમ ઊભા છે. પણ ઝાઝા બળ સામે રાજપૂતો વઢાતા જાય છે. બચવાની કોઈ આશા ન રહી ત્યારે કેટલાક રાજપૂતોએ શિવલિંગની રક્ષા માટે તેને ખસેડી લેવાનું નક્કી કર્યું. પાલખીમાં તેને પધરાવી સાથે મીનળદેવીને બેસાડી સોમનાથના મંદિર સામે છેલ્લી નજર કરી સૌ ચાલી નીકળ્યા.

આમ ચાલતા ચાલતા પાંચાળ પ્રદેશમાં પાલખી આવી પહોંચી. ઘેલા સોમનાથ જે સ્થળે આજે ઊભું છે તે અનુકુળ જણાતાં ત્યાં શિવલિંગની પ્રતિષ્ઠા કરવામા આવી.

સોમનાથમાં ઝફરખાનનાં બાકી રહેલા સૈન્યને શિવલિંગની સ્થાપના બીજે થયાની અને મીનળદેવી તેની પૂજા કરે છે એ હકીકતની જાણ થઈ. સૈનિકોએ હલ્લો કર્યો પણ સંગઠિત બળ સામે ન ફાવ્યા અને પાછા હઠવું પડયું. મીનળદેવીને પોતાના ઉપર સુલતાનનાં સૌનિકોની નજર પડી એટલે જીવવા કરતાં મોતને વહાલું ગણ્યું અને ઘેલા સોમનાથ સામેની ટેકરી ઉપર ચડી જઈ ત્યાં સમાધિ લીધી.

આમ સોમનાથ મંદિરથી લાવીને આ શિવલિંગની સ્થાપના થઈ છે જેનો ઇતિહાસ સાક્ષી પૂરે છે. જેમાં ઘણા ક્ષત્રિય શુરવીરોની બલિદાનની ગાથા વણાયેલી છે. આજે પણ સામેની ટેકરી ઉપર મીનળદેવીની નાની દેરી આવેલી છે. મંદિરનાં દર્શને આવનાર યાત્રિકો દેરીને પણ જુહારે છે.

ગઢ જેવી રચનાની વચ્ચે ઊભેલા આ ઘેલા સોમનાથનાં મંદિરનું સંચાલન અત્યારે ટ્રસ્ટ હસ્તક છે. સમયની સાથે આ મંદિરનો વિકાસ થતો જાય છે. યાત્રિકોને રહેવા માટેની ધર્મશાળાઓ પણ આવેલી છે. મંદિરની બાજુમાં ગૌશાળા છે, જેમાં ગાયોનો નિભાવ થાય છે.

ભાવનગર અને અમરેલી જિલ્લાની સરહદો ઘેલા સોમનાથની નજીકમાં આવેલી છે. શ્રાવણ માસ દરમિયાન ભગવાન શંકરદાદાનાં દર્શને લોકોનો ઘણો મોટો સમુદાય અહીં એકત્ર થાય છે. તે દરમિયાન અહીં મેળો પણ ભરાય છે. આમ ઘેલા સોમનાથ ગુજરાતનું ઐતિહાસિક ધાર્મિક સ્થળ છે.•

You might also like