સોના ઉપર ટેક્સમાં ઘટાડો કરવાની દરખાસ્ત

મુંબઇ: નીતિ આયોગની એક કમિટીએ સોના પર હાલ જે ટેક્સ છે તેમાં મોટો ઘટાડો કરવાની ભલામણ કરી છે. નીતિ આયોગના મુખ્ય સલાહકાર અને પૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ રતન પી. વાટલની અધ્યક્ષતા હેઠળ બનેલી કમિટીએ ૨૬ ફેબ્રુઆરીએ ગોલ્ડ પોલિસી પર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયાઝ ગોલ્ડ માર્કેટ નામનો એક રિપોર્ટ નાણાં વિભાગને સોંપ્યો છે.

જોકે સરકારે રિપોર્ટ સાર્વજનિક કર્યો નથી, પરંતુ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ સોનાના તમામ કારોબારમાં હાલ જે ટેક્સનું માળખું છે તેમાં તીવ્ર ઘટાડો કરવાની ભલામણ કરી છે, જેમાં જીએસટી તથા આયાત ડ્યૂટી પણ સામેલ છે. રિપોર્ટ અનુસાર પાછલાં કેટલાંક વર્ષમાં સોના ઉપરના ઊંચા ટેક્સના કારણે ગેરકાયદે સોનાની આયાત વાર્ષિક ૧૦૦થી ૧૫૦ ટકા રહી છે.

રિપોર્ટમાં ભારતમાં ગોલ્ડ માઇનિંગ એક્ટિવિટીને વધારવા તથા ગોલ્ડ બોર્ડની સ્થાપના કરવા ઉપર પણ ફોકસ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે નાણાપ્રધાન અગાઉ સોનાની એક વ્યાપક નીતિ તૈયાર કરવાની પ્રક્રિયાના ભાગરૂપે ગોલ્ડ સ્પોટ એક્સચેન્જની સ્થાપના કરવાની જાહેરાત કરી ચૂક્યા છે. કમિટીએ ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં ફેરફાર કરવાની પણ ભલામણ કરી છે.

You might also like