માત્ર ઈશ્વર જ સાચો ભવિષ્યવેત્તા

એક ઉદ્યોગપતિએ તેમના કારખાનાનું પ્રવેશદ્વાર તોડીને બીજું પ્રવેશદ્વાર મુકાવ્યું. તેમની પોતાની ઓફિસમાં ટેબલ અને ખુરશીની દિશા બદલી નાખી. પોતાના બંગલાના પ્રવેશદ્વારમાં પણ હજારો રૂપિયા ખર્ચીને ફેરફાર કરાવી નાખ્યો. શયનખંડમાં પલંગની દિશા ફેરવી નાખી. ભીંત પર ટીંગાડેલી ભગવાનની છબીઓની સ્થિતિમાં પણ ફેરફાર કરી નાખ્યો. આવા બધા ફેરફારો કરવાનું કારણ? કારણ એટલું જ કે ઉદ્યોગપતિના વાસ્તુશાસ્ત્રીએ તેમને આ મુજબની સલાહ આપી હતી.

આજકાલ વાસ્તુશાસ્ત્રીની બોલબાલા છે. શ્રીમંત માણસો-કારખાનેદારો તેમની સલાહ અનુસાર હજારો કે લાખો રૂપિયા ખર્ચીને આવા ફેરફારો કરે છે. જો કોઈ વાસ્તુશાસ્ત્રીનાં પવિત્ર પગલાં તમારા આંગણામાં પડે તો તે તરત કહેશે કે તમારું પ્રવેશદ્વાર વાઘમુખી છે. એ ખરાબ કહેવાય. તમારું પ્રવેશદ્વાર ગૌમુખી હોવું જોઈએ. વાઘમુખી પ્રવેશદ્વારમાં આગળનો ભાગ પહોળો હોય અને પછી તે સાંકડો થાય. ગૌમુખીમાં આગળનો ભાગ સાંકડો હોય અને તે પછી પહોળો થતો હોય!

જે ઉદ્યોગપતિની વાત અહીં કરી છે તેમણે ઉત્સાહભેર બધા ફેરફાર કર્યા હતા અને પોતાનું કિસ્મત વિશેષ ચમકી ઊઠવાની આશા રાખતા હતા. પણ બન્યું એવું કે વાસ્તુશાસ્ત્રીની સલાહ મુજબના બધા જ ફેરફારો પૂર્ણ થઈ ગયા પછી એક જ મહિનામાં તેમના બંગલા અને કારખાના પર આવકવેરા ખાતાનો દરોડો પડ્યો. પત્ની ગંભીર માંદગીમાં પટકાઈ ગઈ. પુત્રોની પણ કોઈ ને કોઈ સમસ્યા ગંભીર બનીને સામે આવી. ઉદ્યોગપતિ ભારે મૂંઝવણમાં આવી પડ્યા. સલાહ આપનારા વાસ્તુશાસ્ત્રીને પૂછ્યું તો તેમણે હાથ ઊંચા કરી દીધા.

વાસ્તુશાસ્ત્ર વિશે મારું જ્ઞાન ખાસ નથી, પણ મેં અનુભવે એટલું જોયું છે કે આ બધી બાબતોને આગળ કરીને માણસો વિચિત્ર રીતે વર્તે છે અને ઘણી વાર એવી કસોટીમાંથી પસાર થાય છે કે તેમની આસ્થા ઊડી જાય છે. કોઈ પણ બાબતમાં તમારા મનમાં કશાકનું ભૂત ભરાય પછી તમે જંગલમાં ભૂલા પડ્યા જેવી સ્થિતિમાં મુકાઈ જાઓ છો. જે વાત વાસ્તુશાસ્ત્રને લાગુ પડે છે તે વાત મુહૂર્તો અને જ્યોતિષને પણ લાગુ પડે છે.

એક માણસ સારો વાર અને સારી તિથિ નક્કી કરી કાર્યનો આરંભ કરે છે પણ પ્રથમ તબક્કામાં જ નિષ્ફળ જતાં તેને પ્રશ્ન થાય છે કે આમ કેમ? એક બીજો માણસ અમાસના દિવસે કે અશુભ ગણાતા દિવસે કોઈક કાર્યનો આરંભ કરે છે અને તે દિવસે તારીખનો આંકડો પણ ‘અપશુકનિયાળ’ હોય છે. છતાં તેનો પુરુષાર્થ ફળે છે. જ્યાં સફળતાની શક્યતા વધુ દેખાતી હોય, ગણતરીઓ બધી જ પાકી કરી હોય ત્યાં પરિણામ શૂન્ય કે ઊલટું આવે તેવું બને છે. એક વ્યક્તિ પોતાની કુંડળીમાં ઉચ્ચના ગ્રહ જોઈને હરખાય છે.

બીજી એક વ્યક્તિ પોતાની જન્મકુંડળીમાં નીચના ગ્રહો જોઈને હતાશ થઈ જાય છે, પણ ઉચ્ચના ગ્રહો ધાર્યું ફળ ન આપે તેવા અનેક કિસ્સા જોવા મળે છે અને જેના ગ્રહો નીચના હોય તે અણધાર્યો વિજય મેળવે છે. આનો ભેદ પામવો શક્ય જ નથી. તો માણસે શું કરવું? માણસે આત્મશ્રદ્ધા કેળવવી, પોતાના ઈષ્ટદેવમાં શ્રદ્ધા રાખવી અને વિકટ સંજોગોમાં પણ આશા છોડ્યા વગર શક્ય હોય તે પુરુષાર્થ કરવો.

ભગવાન રામચંદ્રજીને અયોધ્યાની ગાદી ઉપર બેસાડવા માટે શ્રેષ્ઠ મુહૂર્ત જોવામાં આવ્યું નહીં હોય? ભગવાન કૃષ્ણે મહાભારતનું યુદ્ધ ઘણા પ્રયત્નો કરવા છતાં ટાળી ન શક્યા. તમારે જે શાસ્ત્રમાં માનવું હોય તે શાસ્ત્રમાં ખુશીથી માનો, પણ તેના પર મદાર બાંધીને પુરુષાર્થીને પાંગળો ન કરો ને તમારી વિવેકબુદ્ધિ અંક કે વાસ્તુશાસ્ત્ર કે ગ્રહોના ચરણે ન બાંધો. જીવનમાં સારું-માઠું બન્યા જ કરે છે તેનો ખુલાસો આ કે તે શાસ્ત્રમાં શોધવાની કોશિશ નકામી સાબિત થાય છે.

You might also like