લારી-ગલ્લા-પાથરણાંવાળા માટે મ્યુનિસિપલ તંત્ર 8 પ્લોટ ફાળવશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળા દ્વારા મોડલ રોડ સહિતના રોડ પરનાં દબાણને હટાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ કામગીરીના કારણે નાગરિકો હરખાયા છે તો બીજી તરફ અનેક લારી-ગલ્લા-પાથરણાંવાળાની રોજીરોટીનો સવાલ ઊભો થયો છે, જેના કારણે તંત્ર દ્વારા લારી-ગલ્લા-પાથરણાંવાળા માટે ૮ પ્લોટ ફાળવવાની દિશામાં ગંભીરતાથી વિચારણા હાથ ધરાઇ છે.

ગયા શુક્રવારે સેંકડો લારી-ગલ્લા-પાથરણાંવાળા રેલી સ્વરૂપે મ્યુનિસિપલ મુખ્યાલય પહોંચ્યા હતા. આ ફેરિયાઓઅે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા સમક્ષ રજૂઆત કરતાં કમિશનરે પણ તેમની રજૂઆતને સહાનુભૂતિપૂર્વક સાંભળી હતી. દરમ્યાન કોંગ્રેસના સમયકાળમાં લારી-ગલ્લા-પાથરણાંવાળા માટે થડાબજાર તૈયાર કરાયાં હતાં, પરંતુ બાદમાં સમગ્ર આયોજન વિસારે પાડી દેવાયું હતું.

હવે ભાજપના શાસકોએ અગાઉના સમયના લારી-ગલ્લા-પાથરણાંવાળા માટે નિયત કરેલા ૮ પ્લોટની ફાઇલ પરની ધૂંળ ખંખેરી હોઇ આ પ્લોટ તેમને ફાળવવા માટે ચર્ચા-વિચારણા હાથ ધરી છે.

છેક ર૦૧૦ના સેપ્ટ આધારિત સર્વે અનુસાર શહેરમાં તે સમયે કુલ ૬૬,પ૯૩ ફેરિયા નોંધાયા હતા, જેમાં સૌથી વધુ ૧૮,ર૮પ ફેરિયા મધ્ય ઝોનમાં, ૧૬,રપ૪ ફેરિયા પશ્ચિમ ઝોનમાં, ૯૦૦ર ફેરિયા પૂર્વ ઝોનમાં, ૮૩ર૧ ફેરિયા ઉત્તર ઝોનમાં, ૭૩૭૭ ફેરિયા દક્ષિણ ઝોનમાં અને ૭૩પ૪ ફેરિયા નવા પશ્ચિમ ઝોનમાં નોંધાયા હતા. અત્યારે શહેરમાં ફેરિયાઓની સંખ્યા અઢીથી ત્રણ ગણી એટલે કે બે લાખથી વધુ હોવાની શક્યતા છે.

You might also like