RBIની બેઠક અને ત્રિમાસિક પરિણામો પર બજારની નજર

શેરબજાર નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં પ્રવેશી ચૂક્યું છે. ગઇ કાલે પ્રથમ દિવસ બજાર માટે નબળો રહ્યો. વૈશ્વિક બજારોનાં પ્રેશર વચ્ચે સ્થાનિક શેરબજરમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું અને છેલ્લે નિફ્ટી ૨૫.૩૫ પોઇન્ટના ઘટાડે ૭૭૧૩ની સપાટીએ બંધ થઇ હતી.

જાણકારોના જણાવ્યા પ્રમાણે બજારની નજર હવે આગામી સપ્તાહે પાંચમી તારીખે મળનાર આરબીઆઇની બેઠક તથા ત્રિમાસિક સમયગાળાનાં પરિણામો ઉપર ટકેલી છે.

આગામી સપ્તાહે મંગળવારની બેઠકમાં આરબીઆઇ નીતિગત વ્યાજના દરમાં ૦.૨૫ ટકા સુધીનો ઘટાડો કરે તેવી શક્યતા તેજ છે, જોકે બજારે આ ફેક્ટરને કેશ કરી લીધું છે.

એ જ પ્રમાણે જાન્યુઆરીથી માર્ચ મહિનાના ચોથા ત્રિમાસિક સમયગાળાનાં પરિણામોની સિઝન પણ આગામી સપ્તાહથી શરૂ થશે. પરિણામો કેવાં આવશે તેના પર રોકાણકારની નજર રહેશે, પરંતુ જાણકારોના જણાવ્યા પ્રમાણે મેટલ સેક્ટર, બેન્કિંગ સેક્ટરનાં પરિણામો બજારની અપેક્ષા કરતાં નબળાં આવી શકે છે તો બીજી બાજુ આઇટી સેક્ટરનાં પરિણામો સકારાત્મક આવી શકે છે.

નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ શેરબજારમાં રિટર્ન આપવાની બાબતમાં નબળું રહ્યું છે. આ સમયગાળામાં સેન્સેક્સમાં નવ ટકાનો ઘટાડો જોવાયો છે. હવે જોવાનું એ રહે છે કે ચાલુ નાણાકીય વર્ષ રોકાણકાર માટે રિટર્ન આપવાની બાબતમાં કેવું રહેશે?

You might also like