અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિરનો ઇતિહાસ છે અનોખો…

આપણાં મંદિરો ભવ્યતા અને દિવ્યતાથી શોભતાં હોય છે. સંજોગની વાત છે કે અમદાવાદના ભગવાન જગન્નાથના મંદિરમાં આ બંનેનો અનોખો સમન્વય થયો છે. આમ પ્રાચીન એવું આ મંદિર આજે અમદાવાદની ઓળખ બન્યું છે. અષાઢી બીજના દિવસે નીકળતી વિશાળ અને લાંબી રથયાત્રાને લીધે સમગ્ર દેશમાં જાણીતા બનેલા અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિરની મહત્તા ઘણી છે. ધર્મના વિશાળ વડલા તરીકે દીપી રહેલા આ મંદિરમાં ધાર્મિકતાની સાથેસાથે સામાજિક પ્રવૃતિઓ પણ વિકસી રહી છે.

મહામંડલેશ્વર મહંત નરસિંહદાસજી મહારાજ દ્વારા ભૂખ્યાને અન્ન ભાવથી સદાવ્રત ચાલુ કર્યું હતું. જ્યાં હાલમાં રોજના બે હજાર જેટલા ગરીબ, ભિખારી તથા જરૂરીયાતમંદ લોકો ભોજન લે છે. આ ઉપરાતં અહીં ગૌમૂત્ર આધારિત આર્યુવેદિક ઉપચાર કેન્દ્ર પણ ચલાવવામાં આવે છે. જ્યાં રોગગ્રસ્ત લોકો સારવાર મેળવે છે.

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલું આ અદભુત મંદિરનો ઇતિહાસ પણ અનોખો અને દિવ્ય શક્તિથી ભરેલો છે. અંદાજે સાડા ચારસો વરસ અગાઉ એક સાધુ સાબરમતીના પટમાં વિહાર કરી રહ્યા હતા. હનુમાન ભક્ત એવા આ મહાત્મા અહીં એક ઝૂંપડી બનાવી તેઓ પ્રભુ ભક્તિ કરી રહ્યા હતા.

એક દિવસે તેઓ નદીના પટ ઉપર વિહરી રહ્યા હતા ત્યારે કેટલાક ડાઘુઓ રોકકળ કરતા કરતા આવી રહ્યા હતા. આ લાેકોનો વિલાપ જોઇ તેમનું હ્રદય પણ દ્રવી ઉઠ્યું, પાસે તેમણે પૃચ્છા કરતાં નવયુવાનનું મોત થયાનું જાણવા મળ્યું, મૃતક યુવાનના સ્નેહીજનોને સાંત્વન આપતાં મહાત્માએ કેટલાક મંત્રોચ્ચાર કર્યા અને યુવાન ઉપર પાણીનો છંટકાવ કર્યો અને તેઓ પોતાની ઝૂંપડીમાં ચાલ્યા ગયા.

તેમના ગયાના કેટલાક સમય બાદ યુવાન જાણે કે ઉંઘમાંથી આળસ મરડી ઊભો થયો, આ ચમત્કાર જોઇ સૌ કોઇ ચોંકી ગયા અને મહાત્માનાં ચરણોમાં જઇ પ્રણામ કર્યાં. આ વાત ગામમાં ફેલાતાં ગામલોકોએ મહાત્માને અહીં જ રોકાઇ જવા વિનંતી કરી.

ગામલોકોનો ભાવ જોઇ સાધુએ અહી હનુમાનજીનુ નાનકડું મંદિર બનાવ્યું અને ત્યાં રહી ગયા. સમય જતાં તેમના શિષ્ય સારંગદાસજીએ પણ પોતાના ગુરુની જેમ જ લોકોમાં અનોખી ચાહના મેળવી અને આ વિસ્તારમાં દૂધની સમસ્યાના નિવારણ માટે ગૌ શાળા શરૂ કરી. ત્યારબાદ આવેલા નરસિંહદાસજી મહારાજ પણ સાદગીની મૂર્તિ હતા. આજનું મંદિર એ આ મહંતને આભારી છે.

એક દિવસે મહંત નરસિંહદાસજીને ભગવાન જગન્નાથજીનું સ્વપ્ન આવ્યું, જેમાં ભગવાને એવો ઇશારો કર્યો કે, અહીં ભાઇ બળદેવ તથા બહેન સુભદ્રા સાથે મારૂ મંદિર બનાવો. આ વાત ગામલોકો સમક્ષ કરતાં સૌએ તૈયારી દર્શાવી અને પુરીના ભગવાન જગન્નાથની અમદાવાદમાં પધરામણી થઇ.

ત્યાર પછી તો આ વિસ્તારની ભવ્યતામાં ચાર ચાંદ લાગ્યા અને ૧૮૭૮માં શરૂ કરાયેલી રથયાત્રા આજે અમદાવાદની ઓળખ બની ગઇ છે. નીજ મંદિરમાંથી અષાઢી બીજે નીકળતી આ રથયાત્રામાં જોડાઇ શ્રદ્ધાળુઓ પોતાની જાતને ધન્ય માને છે. આ દિવસે સમગ્ર શહેર જય રણછોડ…માખણ ચોર સહિતના નાદથી ભગવાન જગન્નાથની રથયાત્રામાં રંગાઇ જાય છે.

અમદાવાદ એરપોર્ટ મોટાં તમામ એરપોર્ટ સાથે જોડાયંલું છે. આપ દેશના કોઇપણ સ્થળેથી અહીં આવી શકો છે. એરપોર્ટથી આપ ટેક્સી મારફતે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરના દર્શને જઇ શકો છો.

દેશનાં મોટાં શહેરો તથા નાનાં શહેરો સાથે પણ અમદાવાદ જોડાયેલું છે. અહીંનાં મોટાં સ્ટેશન કાલુપુર આપ ઊતરી શકો છો ત્યાંથી ૩ કિલોમીટરના અંતરે જ આ મંદિર આવેલું છે. આપ મણિનગર અને સાબરમતી રેલવે સ્ટેશને પણ ઊતરી શકો એ અને ત્યાંથી ટેક્સી મારફતે કે ઓટો દ્વારા મંદિરે પહોંચી શકો છો. ગુજરાત એસ.ટી બસ સેવા રાજ્ય સહિત નજીકનાં રાજ્યો સાથે જોડાયેલ છે. ગીતામંદિર સ્થિત મોટા બસ ડેપોમાં ઊતરી આપ ઓટો દ્વારા મંદિર જઇ શકો છો.

You might also like