ઈન્ટરનેટ કંપનીઓની જવાબદારી નક્કી કરવા સરકાર હવે લાવશે નવા નિયમો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર ભારતીય કાયદા હેઠળ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા કંપનીઓની જવાબદારી નક્કી કરવા માટે સપ્ટેમ્બર સુધીમાં નવા નિયમો અને ગાઇડ લાઇન જારી કરશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ કંપનીઓ અફવાઓ કે અપમાનજનક કન્ટેન્ટને પોતાના પ્લેટફોર્મ પર ફેલાતા રોકવા ઝડપથી પગલાં ભરે તે સરકાર હવે સુનિશ્ચિત કરશે.

અધિકારીના જણાવ્યા પ્રમાણે ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટની કલમ-૭૯ હેઠળ ગાઇડ લાઇન જારી કરવામાં આવશે. આ અગાઉ સરકારે સ્વીકાર્યું હતું કે અફવાઓને કારણે હિંસાની ઘટનાઓને ધ્યાનમાં લઇને એકશન લેવા માટે જે માગણી કરી હતી તેના પર મેસેજિંગ પ્લેટફોર્મ વોટસએપ દ્વારા યોગ્ય પ્રતિક્રિયા કે કાર્યવાહી કરવામાં આવી નથી.

સરકારી અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ઇન્ટરનેટ કંપનીઓની જવાબદારીઓ નક્કી કરવા માટેનો ડ્રાફટ તૈયાર જ છે. એક લિગલ ફર્મ તેના પર વિચારણા કરી રહી છે અને તેના અભિપ્રાય બાદ સપ્ટેમ્બર સુધીમાં આ ગાઇડલાઇન જારી થઇ જશે.

સૂચિત ગાઇડલાઇન અનુસાર ગ્લોબલ ઇન્ટરનેટ અનેે સોશિયલ મીડિયા કંપનીઓને એક ગ્રિવેન્સીઝ અધિકારીની નિમણૂક કરવી પડશે અને આ અધિકારીએ ફરિયાદ થયાના થોડા જ કલાકોમાં એકશન લેવાની જવાબદારી અદા કરવી પડશે.

આ ઉપરાંત કંપનીઅોને મેસેજનો સ્રોત જાણવા માટેનો ઉકેલ ડેવલપ કરવો પડશે. આઇટી એકટની કલમ-૭૯ની ઇન્ટર મીડિયરી ગાઇડ લાઇન્સને ર૦૧૧માં નોટિફાઇડ કરવામાં આવી હતી.

તેમાં જણાવાયું હતું કે કંપનીએ યોગ્ય કાળજી લેવી પડશે અને તેમાં કંપનીઓને વાંધાજનક કન્ટેન્ટ હટાવવા માટે૩૬ કલાકનો સમય આપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત એવું જણાવાયું હતું કે કંપનીએ પોતાની વેબસાઇટ પર એક ગ્રિવેન્સીઝ અધિકારીની નિમણૂક કરી તેમનું નામ આપવું પડશે, પરંતુ કંપનીઓએ આ ગાઇડ લાઇન્સનો કડકાઇથી અમલ કર્યો નહોતો.

You might also like