GST રિટર્ન ફાઈલિંગની તારીખ હવે નહીં વધે

અમદાવાદ: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ થયાને એક વર્ષ પૂરું થવાને તૈયારીમાં છે. પાછલા વર્ષે ૧લી જુલાઇએ જીએસટી અમલમાં આવ્યો હતો. જીએસટી અમલમાં આવ્યા બાદ પ્રથમ વાર એવું બની રહ્યું છે કે સરકાર રિટર્ન ફાઇલિંગ એક્ટમાં પ્રસ્તાવિત ડેટ અનુસાર જ ફાઇલિંગ થાય તેવી તૈયારીઓ કરી રહી છે. મેનું જીએસટીઆર-૧ રિટર્ન આ વખતે ફાઇલ કરવા માટે અંતિમ તારીખ ૧૦ જૂન રાખી છે.

નોંધનીય છે કે પાછલા દર મહિને રિટર્ન ફાઇલિંગની ૧૦ તારીખની જગ્યાએ ૨૦ તારીખ કરવામાં આવતી હતી, જેમાં પણ સરકાર દ્વારા કેટલીક વખત તારીખને વધારવામાં આવતી હતી. ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે વેપારી અને ટેક્સ નિષ્ણાતોની સતત ફરિયાદોના કારણે સરકાર દ્વારા પોર્ટલ પરની કેટલીક રિટર્ન ફાઇલિંગ સંબંધી ખામીઓ દૂર કરવામાં આવી હતી અને તેના કારણે જ જીએસટીઆર-૧ રિટર્ન ફાઇલિંગની તારીખ જીએસટી એક્ટ મુજબ નક્કી કરેલ તારીખ અનુસાર કરી દીધી છે. નોંધનીય છે કે એક્ટમાં જીએસટીઆર-૧ રિટર્ન ફાઇલિંગ દર મહિનાની ૧૦મી તારીખ રાખવામાં આવી છે.

જે કારોબારીઓનું ટર્નઓવર ૧.૫૦ કરોડ રૂપિયાથી વધુ છે તેઓનું મે મહિનાનું જીએસટીઆર-૧ રિટર્ન ૧૦ જૂન સુધી ફાઇલિંગ થઇ જવું જોઇએ, જ્યારે જે કારોબારીઓનું ટર્નઓવર ૧.૫૦ કરોડ કરતા વધુ છે તેઓનું મે મહિનાનું જીએસટીઆર-૩-બી રિટર્ન ૨૦ જૂન સુધી ફાઇલિંગ થવું જોઇએ.

You might also like