CID ક્રાઇમના ટોપ લિસ્ટના બુટલેગરનો બિયરનો જથ્થો પકડાયો

અમદાવાદ: રાજ્યના ટોચના બુટલેગરમાં જેનું નામ છે તેવા ભરત ઉર્ફે લંગડા ડાભીના બિયરના જથ્થાને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે વૈષ્ણોદેવી સર્કલ પાસે પોલીસે વોચ ગોઠવી હતી.

બિયર ભરેલી કાર આવતાં પોલીસે તેને રોકી હતી, જોકે કારચાલકે કાર રોકવાની જગ્યાએ હેબતપુર ફાટક તરફ ભગાવી હતી અને એક મેદાનમાં કાર મૂકી બે શખ્સ નાસી ગયા હતા. પોલીસે ૭ર૦ બિયરનાં ટીન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ એસ. જે. જાડેજાની ટીમને બાતમી મળી હતી કે રાજસ્થાનના બુટલેગર વિપુલ, સકાજી ઉર્ફે સુખલાલ અને ભરત ઉર્ફે લંગડા ડાભીએ એક હોન્ડા સિટી કારમાં બે શખ્સ મારફત અમદાવાદમાં દારૂ અને બિયરનો જથ્થો મોકલ્યો છે, જેના આધારે ગત મોડી રાતે ક્રાઈમ બ્રાન્ચની ટીમે વૈષ્ણોદેવી સર્કલ પાસે પોલીસે વોચ ગોઠવી હતી.

બાતમીવાળી કાર આવતાં પોલીસે તેને રોકી હતી, જોકે કારચાલકે કાર રોકવાની જગ્યાએ એસજી હાઇવે પર ભગાવી હતી. ભાગવત ચાર રસ્તાથી કાર અંદર ભગાવી હેબતપુર ફાટક પાસે એક મેદાનમાં કાર મૂકી બે શખ્સ નાસી ગયા હતા.

પોલીસે કારમાં તપાસ કરતાં ૭ર૦ જેટલાં બિયરનાં ટીન મળી આવ્યાં હતાં. પોલીસે રૂ. ૭ર૦૦૦નાં બિયર અને કાર જપ્ત કરી રાજસ્થાનના બુટલેગર વિપુલ, સકાજી ઉર્ફે સુખલાલ, ભરત ઉર્ફે લંગડા ડાભી અને બિયર લઈને આવનાર બે શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

You might also like