અમદાવાદ લવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયોઃ રૂ.48 લાખનો મુદ્દામાલ કબજે

અમદાવાદ: રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો ભરી અમદાવાદ આવી રહેલી એક ટ્રકને અસલાલી પોલીસે બારેજા નજીકથી ઝડપી લઇ વિદેશી દારૂના જથ્થા સાથે રૂ.૪૮ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી બેની ધરપકડ કરી છે.

અસલાલી પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાન પાસિંગની એક ટ્રક વિદેશી દારૂનો જથ્થો ભરી અમદાવાદ તરફ આવી રહી છે.

આ મળેલ બાતમીના આધારે પોલીસે બારેજા બ્રિજ પાસે વોચ ગોઠવી વહેલી સવારે ફિલ્મી ઢબે ટ્રક ઝડપી લઇ તલાશી લેતા ટ્રકમાંથી પુઠાના બોકસમાં પેકિંગ કરેલ વિદેશી દારૂની બોટલો ભરેલી ૯૬ પેટીઓ મળી આવી હતી. પોલીસે મોબાઇલ ફોન, ટ્રક, ડ્રમ, પુઠાના બોકસ, બિલ્ટિઓ વગેરે મળી આશરે રૂ.૪૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે ટ્રકચાલક અરવિંદ ચૌધરી અને જય શાહ નામના બે શખસની ધરપકડ કરી પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો ઇસનપુરના અેક બુટલેગરને પહોંચાડવાનો હોવાની અને આ દારૂનો જથ્થો કિશોર રાઠોડે મોકલ્યો હોવાની આરોપીએ કબૂલાત કરતા પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે.

You might also like