RTE હેઠળ અાર્થિક સહાયની રકમ સીધી વાલીના ખાતામાં જમા થશે

અમદાવાદ: ગરીબ અને વંચિત જૂથનાં બાળકોને ધોરણ-૧માં પ્રવેશ મેળવવા અંગેની કામગીરી ૧૯ એપ્રિલથી શરૂ થઈ રહી છે. આરટીઈ હેઠળ એડમિશન લેનાર બાળકના વાલીને સરકાર દ્વારા રૂ. ૩ હજાર અાર્થિક સહાય અપાય છે. હવે આ રકમ સીધી વાલીના ખાતામાં જમા થાય તેવો નિર્ણય કરાયો છે.

આ પહેલાં અત્યાર સુધી શાળાઓને જે ગ્રાન્ટની રકમ ચૂકવવામાં આવતી હતી તે રકમમાંથી શાળાઓ રૂ.૩૦૦૦ વાલીઓને ચેક આપીને ચુકવણી કરતી હતી, પરંતુ શાળાઓ દ્વારા હજુ ગ્રાન્ટ આવી નથી સહિતના એક બહાના હેઠળ વાલીને રૂ.૩૦૦૦ની રકમ ચૂકવવામાં અખાડા કરવામાં આવતા હતા.

આરટીઆઇમાં વંચિત જૂથનાં બાળકોને ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. વિદ્યાર્થી શાળામાં પ્રવેશ મેળવે તે સમયે સરકાર તરફથી સ્કૂલડ્રેસ, બૂટ, સ્કૂલબેગ સહિતની વસ્તુઓ લેવા માટે રૂ.૩૦૦૦ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ ખર્ચની રકમ વિદ્યાર્થીદીઠ જે તે શાળાની ગ્રાન્ટમાં ઉમેરીને આપવામાં આવતી હતી.

આ વર્ષે આરટીઈમાં પ્રવેશફોર્મ ભરનાર વાલીઓની બેન્કની વિગતો અને આધારકાર્ડની માહિતી પણ સરકારે માગી છે. આમ, હવે વાલીઓને ખર્ચની રૂ.૩૦૦૦ની રકમ સીધી મળી જશે.

You might also like