SP જગદીશ પટેલના વહીવટદારને આપેલા ૭૪ લાખ હજુ મળ્યા નથી

અમદાવાદ: સુરતના બિલ્ડર શૈલેશ ભટ્ટ અને તેમના ભાગીદાર કિરીટ પાલ‌િડયાનું અપહરણ કરીને ૧૨ કરોડના બિટકોઇન પડાવી લેવાના કેસમાં સીઆઇડી સમક્ષ રોજેરોજ ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે.

શૈલેશ ભટ્ટ પાસેથી તોડ પેટે વસૂલાતી રકમના ૫૦ ટકા પીઆઇ અનંત પટેલને આપવાની ડીલ ડીએસપી જગદીશ પટેલે કરી હતી. આ સિવાય શૈલેશ ભટ્ટના મિત્રએ એસપી જગદીશ પટેલના વહીવટદારને આપેલા ૭૪ લાખ રૂપિયા કોની પાસે છે તે મામલે પણ સીઆઇડીએ તપાસ શરૂ કરી છે.

તા. ૧૧ ફેબ્રુઆરીના રોજ સુરતના બિલ્ડર શૈલેશ ભટ્ટ અને તેમના ભાગીદાર કિરીટ પાલ‌િડયાનું કોબા સર્કલ નજીક રાજધાની હોટલ પાસેથી અમરેલી એલસીબી પીઆઇ અનંત પટેલ અને તેમની ટીમ દ્વારા અપહરણ કરીને તેમને દહેગામ રોડ પર આવેલા મગોડી ગામના કેશવ ફાર્મ હાઉસમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં શૈલેશ ભટ્ટને માર મારવામાં આવ્યો હતો અને ૧૨ કરોડના બિટકોઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા અને ૩૨ કરોડ રૂપિયાની ખંડણી પણ માગી હતી.

સુરતની કેતન પટેલ નામની વ્યકિત ફાર્મ હાઉસ પર આવી હતી અને પી. આંગ‌િડયા પેઢી મારફતે રૂપિયા ટ્રાન્સફર કરવાની વાત કરતાં શૈલેશ ભટ્ટ અને કિરીટ પાલ‌િડયાને છોડી દીધા હતા.  એલસીબીના સકંજામાંથી છૂટી ગયા બાદ શૈલેશ ભટ્ટે આ સોદો કેન્સલ કરાવી દીધો હતો. શૈલેશ ભટ્ટનું અપહરણ કરીને ૧૨ કરોડના ‌િબટકોઇન ટ્રાન્સફર કરવાના મામલે સીઆઇડીને તપાસ કરવાના આદેશ આપ્યા હતા.

સીઆઇડીએ કેસમાં ઝીણવટભરી તપાસ કર્યા બાદ પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઇ ડેર, વિજય વાઢેરની ધરપકડ કરી હતી. ત્યારબાદ પીઆઇ અનંત પટેલની ધરપકડ કરી હતી. અનંત પટેલે અપહરણનો આખો કાંડ અમરેલીના ડીએસપી જગદીશ પટેલના કહેવાથી કર્યો હોવાની કબૂલાત કરતાં સીઆઇડી ક્રાઇમે જગદીશ પટેલની ધરપકડ કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર શૈલેશ ભટ્ટે અમરેલીથી એક વ્યક્તિનું અપહરણ કરીને ૨૨૦૦ બિટકોઇન ટ્રાન્સફર કરાવી લીધા હોવાની અરજી જગદીશ પટેલ પાસે આવી હતી. આ અરજીના મામલે જગદીશ પટેલે અનંત પટેલને શૈલેશ ભટ્ટ પાસેથી ‌િબટકોઇન કઢાવવાનું કામ સોંપ્યું હતું.

૨૨૦૦ બિટકોઇન પૈકી ૨૦૦ બિટકોઇન જગદીશ પટેલ અને અનંત પટેલે વહેંચી લેવાના હતા અને તોડ કર્યાની જે રકમ આવે તેના પણ અડધા અડધા બન્ને જણાએ વહેંચી લેવાના હતા. જગદીશ પટેલ સાથે ડીલ થયા બાદ અનંત પટેલે શૈલેશ ભટ્ટનું અપહરણ કર્યું હતું.

પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર શૈલેશ ભટ્ટના અપહરણ વખતે ૭૪ લાખ રૂપિયા જેટલી રકમ ભરેલી બેગ જગદીશ પટેલના વહીવટદારને આપી હતી. રૂપિયા ભરેલી આ બેગ કોની પાસે છે તે મામલે પણ સીઆઇડી ક્રાઇમે તપાસ શરૂ કરી છે.

You might also like