ઠાકુરજી તો ભાવનાના ભૂખ્યા છે, જાણી લો આ કિસ્સા પરથી…

એક દિવસ શ્રી કાલિંદીજીને કિનારે સખાઓનું પદ્મવર્તુળ રચાયું હતું. સૌ બાલ સખાઓ વચ્ચે વાનગી હરીફાઈ થવાની હોઇ સૌ પોત પોતાના ઘરેથી અલગ અલગ છાક અર્થાત સામગ્રીઓ બનાવડાવીને લઈ આવ્યા હતા. કોઈ સખો જલેબી તો કોઈ સખો રસમોહન તો કોઈ સખો શ્યામ સલોનો હલવો બનાવી ને લઈ આવ્યું હતું. આ સિવાય કોઈ મીઠી સામગ્રી, કોઈ મોળી સામગ્રી, કોઈ તીખી તો કોઈ ગળચટ્ટી સામગ્રીઓ પણ બનાવીને લાવ્યાં હતાં.

આ સખાઓમાં ઠાકુરજીનો એક મધુમંગલ નામનો સખા હતો. આ સખો અત્યંત ગરીબ હતો. તે વિચાર કરવા લાગ્યો કે હું તો એકદમ ગરીબ છું વળી મારા પ્રભુને પ્રિય લાગે તેવી સામગ્રી બનાવવાનું મારા માટે કે મારા પરિવાર માટે અશક્ય છે. વળી મારી માએ તો મને ૩-૪ દિવસ જૂની ખાટી છાશને વઘારીને આપી છે આવી ખાટી છાશ મારા પ્રભુને કેમ ધરાય અને મારા પ્રભુ પણ આવી સુંદર સામગ્રી છોડીને આવી જૂની સામગ્રી કેમ કરીને આરોગશે?

આમ વિચાર કરીને મધુમંગલ પોતાની છાશ લઈ ઊભો થઈ બોલ્યો કે કનૈયા મારે તો તારી આવી હરીફાઈમાં ભાગ નથી લેવો. કનૈયાએ જોયું કે મધુમંગલને પોતાની સામગ્રીને કારણે શરમ આવી રહી છે અને આ શરમને કારણે તે પોતાની સામગ્રીને તુચ્છ માની રહ્યો છે. ત્યારે ઠાકુરજી ખડા થઈ ગયા અને મધુમંગલની પાછળ જઈ કહેવા લાગ્યા કે અરે મધુમંગલ તારી માએ કઈ સામગ્રી મારે માટે મોકલાવી છે?

ઠાકુરજીની વાણી સાંભળીને મધુમંગલને અત્યંત સંકોચ થવા લાગ્યો તેથી તે પોતાની દધિ છાશની દોણી લઈ દોડ્યો અને દૂર જઈ પોતે જ પોતાની છાશ પીવા લાગ્યો. શ્યામજીએ જોયું કે સંકોચ વશ અને પોતાને સામગ્રી ન ધરવી પડે તે હેતુથી મધુમંગલ પોતાની જ લાવેલી સામગ્રી એકલો જ આરોગી રહ્યો છે ત્યારે શ્યામજીએ મધુમંગલનાં હાથમાંથી છાશની દોણી ઝૂંટવી લીધી અને મધુમંગલની જૂઠી થયેલી સામગ્રી પોતે આનંદપૂર્વક આરોગવા લાગ્યાં અને આરોગતાં આરોગતાં મધુમંગલની પ્રસંશા કરી કહેવા લાગ્યાં કે પ્રિય સખા આટલી સુંદર અને સ્વાદિષ્ટ સામગ્રી તારી માએ મારે માટે મોકલાવી છે અને તે સામગ્રી તું એકલો એકલો આરોગી રહ્યો છે? એમ કહી મધુમંગલની સામગ્રીને ઠાકુરજી ખૂબ વખાણવા લાગ્યાં.

જ્યારે કનૈયાને એકલાને મધુમંગલની સામગ્રીનો સ્વાદ લેતા જોઈ મધુમંગલ સિવાયનાં સર્વે સખાઓ કનૈયા પાસે દોડી ગયાં. અને કહેવા લાગ્યાં કે લાલા અમને પણ થોડું થોડું આપ ત્યારે શ્રી ઠાકુરજી કહે કે સામગ્રી તો હું પી ગયો પરંતુ થોડી બસ થોડી જ સામગ્રી આ દોણીમાં રહેલી છે તે સામગ્રી આપ સૌને હું વાંટી દઉં છું એમ કહી ઠાકુરજીએ થોડી બચેલી સામગ્રી સખાઓમાં વાંટી દીધી ત્યારે એક સખો ઠાકુરજીને ફરિયાદ કરવા લાગ્યો કે લાલા મને તો આ સામગ્રીનો અંશ પણ ચાખવા ન મળ્યો.

ત્યારે શ્રી લાડીલેશજી કહેવા લાગ્યાં કે જે સખાઓને આ સામગ્રી ન મળી હોય તેઓ મારા મારા હાથને, મારી હથેળી અને મારી આંગળીને જ દૌના બનાવીને તેમાં રહેલી અને ચોંટેલી સામગ્રી ચાટી જાઓ, જે સામગ્રીનો સ્વાદ હતો તે જ સ્વાદ તમને મારી હથેળીમાંથી જ મળી જશે. આથી તમામ સખાઓ શ્રી ઠાકુરજીની હથેળી ચાટવા લાગ્યાં અને કહેવા લાગ્યાં કે લાલા ઐસો સ્વાદ તો હમને કભી ન ચાખ્યો યહ દધિ તો બહોત મીઠો હૈ.

ઠાકુરજીની આ છાકમંડળીમાં આ લીલાનાં દર્શન થયાં છે. ઠાકુરજી તો ભાવનાં ભૂખ્યાં છે અને ભક્તો દ્વારા સિદ્ધ થયેલી પ્રેમની સામગ્રીને શ્રી ઠાકુરજી અત્યંત હોંશથી આરોગે છે. આથી જ આપણાં માર્ગમાં તમામ વસ્તુઓને ભાવનાત્મક કહેવામાં આવી છે.

You might also like