સ્વર્ગ નિર્બળ માટે છે જ નહીં…

માનવીનું જીવન સ્વર્ગ બને, એક સુવાસ બને, એક સૌંદર્ય બને, માનવી પરમાત્માની પ્રતિમા બને: એ થાય શી રીતે? જેને મૃત્યુ નથી તેને માનવી જાણી લે તે શી રીતે બને? મનુષ્ય પરમાત્માના મંદિરમાં પ્રવેશી જાય એ બને જ કેમ? થાય છે તો વિપરીત. શૈશવમાં આપણે સ્વર્ગમાં હોઇએ છીએ અને વૃદ્ધત્વ આવતાં નર્ક સુધી પહોંચી જઇએ છીએ.

શૈશવથી જ પ્રતિદિન આપણું પતન શરૂ થઇ જાય છે. શૈશવમાં તો નિર્દોષ સંસારમાં હોઇએ છીએ. પછી ધીમે ધીમે કપટ અને પાખંડથી ભરેલ માર્ગે વિચરતા વૃદ્ધ થતાં થતાં તો શરીરથી જ નહીં આત્માથી પણ દીન હીન અને જર્જર થઇ જાય છે, એક ખંડિયેર થઇ જાય છે. આને ય જીવન માનીને આપણે સમાપ્ત થઇ જઇએ છીએ. ધર્મ આ બાબતમાં સંદેહ ઉઠાવે છે.

આ બાબતમાં ધર્મ મોટો સંદેહ છે. સ્વર્ગથી નર્કમાં જતી આ યાત્રા ખોટી છે. થવું તો જોઇએ એનાથી જુદું જ. જીવનની યાત્રા તો ઉપલબ્ધિની યાત્રા હોવી ઘટે. આપણે દુ:ખમાંથી આનંદમાં પહોંચીએ, અંધકારમાંથી પ્રકાશમાં, મૃત્યુથી અમૃતમાં પહોંચીએ. પ્રાણોની ગહનતમ અભિલાષા અને તૃષા પણ એ જ છે. પ્રાણોમાં એક જ અપેક્ષા છે.

મૃત્યુમાંથી અમૃતમાં શી રીતે જવાય?
અંધકારથી આલોકમાં શે પહોંચાય?
અસત્યમાંથી સત્યમાં કેવી રીતે જવાય?

સત્યની યાત્રા માટે, સ્વયંની અંદર પરમાત્માની શોધ માટે મનુષ્યમાં અવશ્ય શકિતનો સંગ્રહ જોઇએ. શકિત સંવર્ધન થવું જોઇએ. સંચિત થયેલી શકિત એક સ્રોત થઇ રહે તો વ્યકિતત્વને સ્વર્ગ સુધી લઇ જઇ શકાય. સ્વર્ગ નિર્બળો માટે નથી. શકિત ગુમાવીને દીનહીન થનારા માટે જીવનનું સત્ય નથી. જીવનની તમામ શકિતનો વ્યય કરીને અંદરથી દુર્બળ અને દીન થઇ રહેનારની આ યાત્રા માટે પાત્રતા નથી. આ યાત્રા માટે, આ પહાડ આરોહણ કરવા માટે શકિત જૉઇએ.

શકિતનું સંવર્ધન એ જ ધર્મનો મૂળ સ્રોત છે. શકિત એટલી બધી સંચિત થાય કે આપણે શકિતનો છલકતો ભંડાર બની રહીએ
પરંતુ આપણે તો છીએ દીન હીન મનુષ્ય… શકિત ગુમાવીને આપણે ધીમે ધીમે નિર્બળ થતા જઇએ છીએ. શકિત જયારે ખલાસ થઇ જાય છે ત્યારે રહી જાય છે માત્ર રિકતતા, આપણી અંદર આ શૂન્યતા સિવાય કશું બચતું નથી.•

You might also like