નારણપુરાની કરુણાંતિકાના પગલે દોડધામઃ દુકાનની અંદર વસવાટ કરતા પરિવારોનો કરાશે સર્વે

અમદાવાદ: નારણપુરાના વરદાન ટાવરની કરિયાણાની દુકાનની અંદરના ભાગે ગેરકાયદે વસવાટ કરતા એક જ પરિવારના ચાર સભ્યનાં આજે સવારે ગૂંગળામણના કારણે મોત નીપજતાં સમગ્ર શહેરમાં અરેરાટી ફેલાઇ ગઇ છે. આ ગમખ્વાર બનાવની જાણ થતાં મેયર ગૌતમ શાહ સ્થળ પર દોડી ગયા હતા. તેમણે આ પ્રકારે ગેરકાયદે વસવાટ કરતા પરિવારોનો મ્યુનિસિપલ તંત્ર દ્વારા સર્વે કરાવીને તેમને ખસેડવાની જાહેરાત કરી છે.

આ અંગે મેયર ગૌતમ શાહને પૂછતાં તેઓ કહે છે, વરદાન ટાવરના રહીશોએ આ રીતે ગેરકાયદે વસવાટ કરતા પરિવારની જાણ ટાવરના કસ્ટોડિયનને કરી હતી, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનનેે આની જાણ ન હતી, જોકે આગામી દિવસોમાં શહેરમાં આવી કરુણ ઘટના ન બને તે માટે તંત્ર સર્વે કરશે. જ્યાં-જ્યાંથી દુકાન કે અન્ય કોમર્શિયલ મિલકતોમાં ગેરકાયદે વસવાટ કરતા લોકોની ફરિયાદ મળશે ત્યાં-ત્યાં તંત્ર તપાસ કરીને કડક પગલાં ભરશે.

આજની ઘટનામાં ટાવરના ચેરમેન, સેક્રેટરી સહિતની જે કોઇ વ્યકિત તપાસ બાદ જવાબદાર ઠરશે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરાશે તેમ જણાવતાં મેયર ગૌતમ શાહ વધુમાં કહે છે, પશ્ચિમ ઝોનના ડેપ્યુટી કમિશનર આર્જવ શાહને સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ કરવાની સૂચના અપાઇ છે. એફએસએલની ટીમ, ફાયરની ટીમ વગેરે પણ તપાસમાં જોડાશે.

You might also like