VIDEO: સુરેન્દ્રનગરનાં રિસોર્ટમાં દારૂની મહેફિલ, PSI સહિત 8 લોકો સામે કડક કાર્યવાહી

સુરેન્દ્રનગરઃ માલવણ-અમદાવાદ હાઇવે પર દારૂની મહેફિલ માણવાનાં મામલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા અમદાવાદ પોલીસને રિપોર્ટ કરશે. માલવણ-અમદાવાદ હાઇવે પર આવેલાં રિસોર્ટમાં PSI પી.સિંગરખીયાના સહિત કુલ 8 લોકો નશાની હાલતમાં મળી આવ્યાં હતાં.

આ મામલે તમામ 8 લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતાં તમામ શખ્સો અમદાવાદનાં રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તો પોલીસે ઘટના સ્થળેથી 5 કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરનાં પાટડી તાલુકાનાં મોટી મજેઠી ગામમાં આવેલા એક રિસોર્ટમાં અમદાવાદનાં દાણીલીમડામાં રહેતા ટાઇલ્સનાં વેપારી ઇરફાન રઝાક મેમણનાં જન્મદિવસની પાર્ટીની ઉજવણી માટે અમદાવાદ ક્રાઇમ બ્રાંચનાં PSI પ્રશાંત સિંગર‌ખિયા અને ચાર યુવતીઓ સહિતનાં કેટલાંક નબીરાઓ રિસોર્ટમાં આવ્યાં હતાં.

જો કે આ ઘટના જાહેર માધ્યમોમાં આવતાં ખળભળાટ મચી ગયો હતો. જો કે ઘટના સ્થળેથી 5 કાર સહિતનો મુદ્દામાલ ઝડપીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. ત્યારે ખુદ સરકારી કર્મચારી જ દારૂની મહેફિલ માણતા ઝડપાયાં છે જેને લઇને લોકો દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

You might also like