સુરતમાં સરકારી મિલ્કતને નુકશાન પહોંચાડવા મામલે 6 આરોપીઓની ધરપકડ

સુરતઃ શહેરનાં પાટીદાર યુવાનો દ્વારા સરકારી વાહનો અને મિલ્કતને નુકશાન કરવાનાં મામલામાં સરથાણા પોલીસે 6 યુવાનોની ધરપકડ કરી લીધી છે. જો કે હાલમાં અલ્પેશ કથિરિયાની ધરપકડ થયાં બાદ તેનાં પડઘા સુરત ખાતે પણ પડ્યાં હતાં. જેમાં એક બસને આગને હવાલે કરવામાં આવી હતી.

આ ઉપરાંત બે બસોનાં કાચ પણ તોડી નાખવામાં આવ્યાં હતાં તેમજ બે BRTS બસ સ્ટેન્ડને પણ નિશાન બનાવાયું હતું. આ સિવાય જાહેર માર્ગ ઉપર ટાયરો પણ બાળવામાં આવ્યાં હતાં. જે મામલે પોલીસ દ્વારા આ યુવાનોની ધરપકડ કરી લેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે શહેરમાં ગત 20 તારીખે રાત્રિનાં સમયે વરાછા વિસ્તારમાં તોડફોડ અને આગચંપીની ઘટના ઘટી હતી. જેમાં પોલિસે 3 અલગ-અલગ રાયોટિંગની ફરિયાદ દાખલ કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી. જેમાં સુરતનાં યોગી ચોક નજીક રસ્તા પર ટાયર સળગાવવા મામલે પોલીસે 6 પાટીદાર યુવાનોની ધરપકડ કરી લીધી છે.

ગત 20 તારીખે અમદાવાદમાં હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરિયાની ધરપકડ બાદ સુરતનાં વરાછામાં પાટીદાર કાર્યકરો અને યુવાનો દ્રારા ધરણાં કરાયાં હતાં. જેમાં તેઓ પરવાનગી વગર ધરણાં પર બેઠાં હતાં.

જેને લઈને સુરત પોલિસે 35 જેટલાં કાર્યકરોની અટકાયત પણ કરી હતી. જેને લઈને પાટીદાર લોકોમાં ઉગ્ર રોષ પણ દેખાયો હતો. સ્થાનિકોએ પ્રથમ તો રોડ રસ્તા બંધ કરી દીધાં હતાં અને બાદમાં રાત્રે BRTS બસ સ્ટેન્ડો અને બસોમાં તોડફોડ કરી હતી અને બાદમાં જાહેર માર્ગો પર ટાયરમાં આગચંપી કરી હતી. જેમાં પોલિસે 6 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જેમાં મિલન કથિરિયા સહિત 5 યુવાનોની ધરપકડ કરવામાં આવી છે.

You might also like