સુનંદાએ આત્મહત્યા નહોતી કરી, હત્યા થઈ હતીઃ દિલ્હી પોલીસ

નવી દિલ્હી: ચાર વર્ષ બાદ પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા શશી થરુરનાં પત્ની સુનંદા પુષ્કરની મર્ડર મિસ્ટ્રીમાં નવો વળાંક આવ્યો છે. દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર શશી થરુરનાં પત્ની સુનંદા પુષ્કરે આત્મહત્યા કરી નહોતી, પરંતુ તેમની હત્યા થઇ હતી.

અહેવાલો અનુસાર સુનંદા પુષ્કરના મોતની તપાસ સાથે સંકળાયેલ એસડીએમ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ આ દાવો કર્યો છે. મીડિયામાં આ મામલો ગરમાયા બાદ દિલ્હી પોલીસે પોતાની આ વાત રજૂ કરી છે.

દિલ્હી પોલીસના સીપીઆરઓ દીપેન્દ્ર પાઠકે જણાવ્યું છે કે આ કેસ હાલ તપાસના દાયરામાં છે. પોલીસ પોતાનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરશે. આ મામલામાં કોઇ પણ પ્રતિક્રિયા આપવી અત્યારે યોગ્ય નથી.

સુનંદાના મોતના મામલામાં પ્રથમ તપાસ રિપોર્ટ તત્કાલીન ડીસીપી ડી. એસ. જયસ્વાલે તૈયાર કર્યો હતો. આ રિપોર્ટમાં એસડીએમ વસંતવિહાર આલોક શર્માએ સ્પષ્ટ લખ્યું હતું કે હોટલ લીલામાં સ્થળ પરની સમીક્ષા કર્યા બાદ એ વાતમાં બેમત નથી કે સુનંદાએ આત્મહત્યા કરી નહોતી. અગાઉના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ સુનંદાના મોતનું કારણ ઝેર હોવાનંુ જણાવાયું હતું. સુનંદાના શરીર પર ઝપાઝપીના જખમ પણ મળી આવ્યા હતા. સુનંદાના શરીરમાં ઇન્જેક્શન લગાવવાના અને દાંતથી કરડવાનાં નિશાન પણ મળી આવ્યાં હતાં.

You might also like