Film review : ‘સુલતાન’

યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘સુલતાન’ના નિર્દેશક અલી અબ્બાસ જફર છે. ફિલ્મનું સંગીત વિશાલ શેખરે અાપ્યું છે. ‘સુલતાન’ સલમાન ખાનની પહેલી એવી ફિલ્મ છે, જેમાં સલમાન ખાને જરૂરિયાત મુજબની ફિઝિકલ તૈયારીઓ કરી હોય, જરૂરિયાત મુજબ હેરસ્ટાઈલ પણ કરી હોય. અા ફિલ્મ માત્ર અને માત્ર સલમાનની ફિલ્મ છે. ફિલ્મમાં સલમાન ઉપરાંત અનુષ્કા શર્મા અને રણદીપ હુડા છે.

‘સુલતાન’ની કહાણી છે – સુલતાન અલી ખાનની. સુલતાન એક સ્થાનિક કુસ્તી ચેમ્પિયન છે અને તેનું સપનું ઓલમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું છે. અા કહાણી અાફરા નામની યુવાન છોકરીની પણ છે, તેનાં પણ પોતાનાં સપનાં છે. તે પણ સુલતાનની જેમ એક નાનકડા શહેરમાંથી અાવે છે. અા બંને કુસ્તી ચેમ્પિયન જ્યારે મળે છે ત્યારે રોમાન્સ ફૂલની જેમ ખીલે છે. તેમનાં સપનાં અને અાકાંક્ષાઓ એક થઈ જાય છે. સફળતાનો રસ્તા એટલો સરળ પણ નથી. અા યાત્રા કરવામાં અાખું જીવન પણ લાગી શકે તેમ છે.

‘સુલતાન’ એક ક્લાસિક અંડર ડોગની કહાણી છે, જેમાં એક પહેલવાન તમામ વિપરીત પરિસ્થિતિઓ છતાં પણ પરત ફરવા ઈચ્છે છે. સુલતાનને તેની જે પહેલવાની પર અભિમાન હતું એ અભિમાન તેની જિંદગીના ચઢાવ-ઉતારના કારણે ઊતરી જાય છે. અારફા તેનાથી દૂર થઈ જાય છે અને તેનો પરિવાર પણ દૂર થાય છે. સુલતાન અંધકાર વચ્ચે ખોવાઈ જાય છે અને તે અા અંધકારને સ્વીકારીને ગુમનામીની જિંદગી જીવવા લાગે છે. વર્ષો પછી ફરી એક વાર સુલતાનને તેનું ગૌરવ પાછું મેળવવાની તક મળે છે. તે અા માટે તૈયાર થાય છે. તેણે તનતોડ મહેનત કરવાની છે, છૂટી ગયેલી પહેલવાનીના કારણે સુલતાન ભલે કમજોર પડી ગયો હોય, પરંતુ મનથી અાજે પણ એટલો જ મજબૂત છે. સુલતાન નવેસરથી મહેનત શરૂ કરે છે. અા ફિલ્મ પહેલવાનની પોતાનું ગૌરવ પાછું મેળવવાની કહાણી છે. •

You might also like