GST બાદ ડાયરેક્ટ ટેક્સ સિસ્ટમમાં ધરખમ ફેરફારો

નવી દિલ્હી: ઈનડાયરેક્ટ ટેક્સ ક્ષેત્રમાં ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) લાગુ પાડ્યા બાદ સરકારે હવે ડાયરેક્ટ ટેક્સ ક્ષેત્રમાં મોટા પાયે સુધારા અને ફેરફાર કરવાની પહેલ શરૂ કરી છે. ડાયરેક્ટ ટેક્સ કાયદાની સમીક્ષા અને એક નવા ડાયરેક્ટ ટેક્સ કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે સરકારે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે. સૂચિત નવો ડાયરેક્ટ ટેક્સ કાયદો વર્તમાન ઈન્કમટેક્સ કાયદાનું સ્થાન લેશે, જે ૧૯૬૧થી અમલમાં છે. આમ હવે સરકાર ૫૬ વર્ષ જૂના ઈન્કમટેક્સ એક્ટની સમીક્ષા કરશે.

દેશની આર્થિક જરૂરિયાતોને અનુરૂપ ૫૬ વર્ષ જૂના ઈન્કમટેક્સ એક્ટના સ્થાને નવા કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે છ સભ્યોના ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)ના સભ્ય અરવિંદ મોદી તેના મુખ્ય સંયોજક રહેશે. એક સત્તાવાર જાહેરાત અનુસાર મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ આ ટાસ્ક ફોર્સમાં કાયમીપણે ખાસ આમંત્રિત સભ્ય રહેશે.

ડાયરેક્ટ ટેક્સના મામલામાં નવો કાયદો તૈયાર કરવાની સરકારની આ પહેલ નરેન્દ્ર મોદી સરકારના વર્તમાન કાર્યકાળમાં આખરી સંપૂર્ણ બજેટ રજૂ થતાં પહેલાં કરવામાં આવી છે. ટાસ્ક ફોર્સના અન્ય સભ્યોમાં ઈવાયના અધ્યક્ષ અને પ્રાદેશિક મેનેજમેન્ટ પાર્ટનર રાજીવ મેમાની, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ગિરીશ આહુજા, ઈ-ક્રિયરના સલાહકાર માનસી કેડિયા, ટેક્સ બાબતોના નિષ્ણાત વકીલ મૂકેશ પટેલ અને સેવા નિવૃત્ત ભારતીય રેવન્યૂ સર્વિસના અધિકારી જી.સી. શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બરમાં આયોજિત ટેક્સ અધિકારીઓના વાર્ષિક સંમેલનમાં જણાવ્યું હતું કે ૧૯૬૧થી અમલી ઈન્કમટેક્સ કાયદાને ૫૬ વર્ષ જેટલો સમય થઈ ચૂક્યો છે અને તેમાં તેનો મુસદ્દો ફરીથી તૈયાર કરવાની જરૂર છે. ૧ જુલાઈના રોજ આયોજિત જીએસટીના સુભારંભ પ્રસંગે પણ મોદીએ એવો સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે જીએસટી બાદ તેમનું લક્ષ્ય હવે ઈન્કમટેક્સ કાયદામાં સુધારો કરવાનું છે.

આ માટે રચાયેલ ટાસ્ક ફોર્સ છ મહિનામાં તેનો અહેવાલ સરકારને સુપ્રત કરશે. ટાસ્ક ફોર્સ વિવિધ દેશોમાં પ્રચલિત ડાયરેક્ટ ટેક્સ સિસ્ટમ અને સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ટેક્સ પદ્ધતિનો અભ્યાસ કરશે અને તેના આધારે દેશની આર્થિક જરૂરિયાતોને અનુરૂપ ડાયરેક્ટ ટેક્સ કાયદાનો મુસદ્દો તૈયાર કરશે.

You might also like