સ્કૂલનાં બાળકોમાં છઠ્ઠા ધોરણથી જ વ્યવસાયનાં બીજ રોપવામાં આવશે

નવી દિલ્હી, ગુરુવાર
બાળકોમાં હવે ૧૧-૧ર વર્ષની ઉંમરથી જ વ્યવસાયનાં બીજ રોપવામાં આવશે, જેથી આવનારી પેઢી માત્ર નોકરીના ભરોસે ના રહે. સરકારે સ્કૂલમાં આને લાગુ કરવાની એક મોટી યોજના તૈયાર કરી છે. તે હેઠળ બાળકોને છઠ્ઠા ધોરણથી જ વ્યવસાયિક શિક્ષણ આપવામાં આવશે. આ દરમિયાન તેનો કોર્સ એવો હશે કે બાળકોને આ દિશામાં આગળ વધવાને લઇ રુચિ પેદા થઇ શકે. હાલમાં સ્કૂલમાં વ્યવસાયિક શિક્ષણનો અભ્યાસ ધો. ૯થી કરાવાય છે.

યોજના હેઠળ કેન્દ્રીય વિદ્યાલયમાં તેનો અભ્યાસ આ સત્રથી જ શરૂ કરાશે. તેને લઇને હજુ એનસીઇઆરટી અને મંત્રાલય વચ્ચે અંતિમ તબક્કાની ચર્ચા બાકી છે. યોજના હેઠળ વ્યવસાયિક કોર્સને છઠ્ઠા ધોરણથી લાગુ કરવાનો તર્ક એ છે કે નવમા ધોરણ સુધી આવતાં આવતાં મોટા ભાગનાં બાળકો પોતાના અભ્યાસ અને આગળના ક્ષેત્રને લઇ માનસિક રીતે તૈયાર થઇ જતાં હોય છે. બાદમાં તે દિશામાં આગળ વધે છે.

સૂત્રોની વાત માનીએ તો એનસીઇઆરટીએ આ પહેલુઓને જોતાં બાળકોને હવે છઠ્ઠા ધોરણથી જ વ્યવસાયિક અભ્યાસક્રમ ભણાવવાનું નક્કી કર્યું છે. યોજના હેઠળ બાળકોને આ દરમિયાન માત્ર એ જ વિષયની પ્રારંભિક જાણકારી અપાશે કે જેથી તેમનામાં વ્યવસાયિક ક્ષેત્રમાં આગળ વધવાની ઇચ્છા થઇ શકે.

એનસીઇઆરટી હેઠળ છઠ્ઠાથી આઠમા સુધી એક નવો અભ્યાસક્રમ ડિઝાઇન કરાશે. ઉલ્લેખનીય છે કે સરકારનું જોર હાલમાં યુવાનોના અભ્યાસ બાદ સ્ટાર્ટઅપ સાથે જોડાવાને લઇ છે. વડા પ્રધાન ઘણી વાર કહી ચૂક્યા છે કે નોકરી કરનારા નહીં આપનારા બનો.

You might also like