ઉનાળો અને પેટની તકલીફો

ઉનાળો શરૂ થાય અને તમારી ભૂખ ઓછી થઇ જાય તે તમે પણ અનુભવ્યું હશે. તમને લિક્વિડ ડાયટ લેવાનું કે કંઇક ઠંડું ખાવાપીવાનું જ મન થયા કરે. શિયાળામાં જમતા હોય એટલું જમી પણ ન શકો. આ સમયે તમારું મેટાબોલિઝમ સ્લો હોય છે. કેટલાક લોકો ભૂખ ન હોય તો પણ શરીરને જરૂર છે એમ માનીને પેટમાં કંઇક પધરાવતા રહે છે, જે ખોટું છે. ભૂખ ન હોય તો જમવાનું ટાળો.

પાચનક્રિયા મંદ હોય ત્યારે હેવી પદાર્થો ખાવાના લીધે ગેસની તકલીફ થઇ જતી હોય છે, તેથી ઉનાળામાં થાળી ભરીને જમવું નહીં, કારણ કે ઉનાળામાં હેવી ખોરાક પચતો નથી અને ગેસ થઇ શકે છે. ઉનાળામાં ચણા, રાજમા, છોલે જેવા હેવી પદાર્થો ન ખાવા. રાત્રે તો બિલકુલ નહીં.

ઉનાળામાં ગરમી વધવાની સાથે એસિડિટી અને પિત્તનુ પ્રમાણ પણ વધે છે. લોકોને ખાટા ઓડકાર, છાતીમાં બળતરા, પેટમાં સતત ગરબડ, ખાધા પછી ઉથલો મારતો હોય તેવું રહ્યા કરે છે. ઉનાળામાં સ્પાઇસી અને તળેલો ખોરાક ખાવાના લીધે આમ બને છે. શક્ય હોય તો હેવીની સાથે સાથે સ્પાઇસી અને તળેલો ખોરાક ખાવાનું પણ ટાળવું જોઇએ. ઉનાળામાં સ્નેક્સ ન લેવું. મરી-મસાલાથી ભરપૂર ખોરાક ખાઇશું તેટલી આપણી તકલીફ વધવાની છે. ઘરે બનાવેલો તળેલો ખોરાક પણ ટાળવો. ખવાતા તો ખવાઇ જશે પણ પછી અનઇઝિનેસ લાગશે તેના કરતાં વિચારીને ખાશો તો સમસ્યાઓમાંથી બચી શકશો.

ઉનાળામાં કોઇ વસ્તુ ઝડપથી બગડી જાય છે. સવારનું બનાવેલું સાંજે કે સાંજનું બનાવેલું બીજા દિવસે સવારે ખાવાની આદત હોય તો એ બદલવી જોઇએ. આ સિઝનમાં તાજું બનાવેલું જ ખાવું. બગડી ગયેલા ખાદ્ય પદાર્થ ખવાઇ જાય તો પેટનું ઇન્ફેક્શન થઇ શકે છે. હોટેલમાં ખાવાનું ટાળવું જોઇએ, કેમ કે એ ખોરાક ક્યારે તૈયાર થયો છે તેની આપણને જાણ નથી.

ઉનાળાના તડકામાં બહાર નીકળો એટલે પિત્ત થઇ જાય અને ભયંકર માથંુ દુખવા લાગે છે. પિત્ત એક પ્રકારની એસિડિટી જ છે. ઉનાળામાં માથું ભારે થઇ જાય તો ઘણાને પિત્તની ઊલટી પણ થઇ શકે છે. આવી તકલીફ ધરાવતા લોકોએ ખૂબ જ પાણી પીવું જોઇએ. ઇલેક્ટ્રલ પાઉડર,નાળિયેર પાણી અને લીંબુ પાણી પણ વધુ પીવું જોઇએ. ઘરેથી બહાર નીકળતા પહેલાં જ પાણી પી લેશો તો તાપ ઓછો લાગશે અને ડીહાઇડ્રેશન નહીં થાય.

ભૂમિકા ત્રિવેદી

http://sambhaavnews.com/

You might also like