શેરબજાર નવી ઊંચાઈએઃ ઓટોમોબાઈલ શેરમાં સુધારો

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર નવી ઊંચાઇએ ખૂલ્યું હતું, જોકે તુરત જ ઊંચી સપાટીથી વેચવાલી આવતાં બજાર રેડ ઝોનમાં જોવાયું હતું. શરૂઆતે ઇન્ટ્રા-ડે ટ્રેડિંગમાં સેન્સેક્સ ૩૩ પોઇન્ટના સુધારે ૩૧,૧૯૩ પોઇન્ટની નવી ઊંચાઇએ જોવા મળ્યો હતો. એ જ પ્રમાણે નિફ્ટી ૧૦ પોઇન્ટના સુધારે ૯,૬૩૪ પોઇન્ટની સપાટીએ ખૂલી હતી, જોકે ત્યારબાદ બજાર રેડ ઝોનમાં જોવાયું હતું. સેન્સેક્સમાં નવ પોઇન્ટ, જ્યારે નિફ્ટીમાં એક પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો.
ઓટોમોબાઇલ કંપનીના શેરમાં સુધારાની ચાલ નોંધાઇ હતી તો બીજી બાજુ બેન્ક શેરમાં પ્રોફિટ બુકિંગ નોંધાયું હતું. એફએમસીજી, આઇટી કંપનીના શેરમાં પણ વેચવાલી નોંધાઇ હતી તો બીજી બાજુ સ્મોલકેપ અને મિડકેપ કંપનીના શેરમાં ઉછાળો નોંધાયો હતો.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના શેરમાં ત્રણ ટકાનો સુધારો નોંધાયો હતો. ભારતી એરટેલ, ગેઇલ કંપનીના શેરમાં એક ટકાનો વધારો જોવાયો હતો તો બીજી બાજુ ઇન્ફોસિસ, ભેલ, ઓએનજીસી કંપનીના શેરમાં ૦.૭૦થી ૧.૧૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

મેટલ શેરમાં પણ સુધારાની ચાલ જોવા મળી હતી. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે જૂન મહિનાની સિરીઝમાં નિફ્ટી ૯૭૦૦ના લેવલે જોવાઇ શકે છે. સારા ચોમાસાના આશાવાદે તથા જીએસટી તથા વિદેશી સંસ્થાગત રોકાણકારોની સ્થાનિક બજારમાં મોટા પ્રમાણમાં નોંધાયેલી ખરીદી વગેરે પરિબળોના પગલે બજારમાં આગેકૂચ જોવા મળી હતી.
http://sambhaavnews.com/

You might also like