Stock Market નીચા ગેપથી ખૂલ્યું: બેન્ક-ઓઈલ કંપનીના શેરમાં પ્રોફિટ બુકિંગ

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર નીચા ગેપથી ખૂલ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૨૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૬૪ પોઇન્ટના ઘટાડે ૩૪,૯૮૪, એનએસઇ નિફ્ટી ૪૩ પોઇન્ટના ઘટાડે ૧૦,૬૩૯ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

મિડકેપ અને સ્મોલકેપ સહિત ઓઇલ એન્ડ ગેસ, બેન્ક, આઇટી, રિયલ્ટી સેક્ટરના શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી પણ ૦.૫૦ ટકા તૂટી ૨૫,૯૫૦ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી, જોકે રસપ્રદ બાબત એ છે કે મેટલ કંપનીના શેરમાં સાધારણ સુધારો જોવા મળ્યો હતો.

આજે શરૂઆતે વિપ્રો, અલ્ટ્રાટેક સિમેન્ટ, એલએન્ડટી, ગેઇલ, બીપીસીએલ, એચડીએફસી બેન્ક, ઇન્ફોસિસ અને એક્સિસ બેન્કના શેરમાં ૦.૮૦ ટકાથી ૧.૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે બજાજ ફાઇનાન્સ, બજાજ ઓટો, સન ફાર્મા, યસ બેન્ક, કોલ ઇન્ડિયા, એચયુએલ કંપનીના શેરમાં ૦.૫૦થી ૨.૫ ટકાનો સુધારો જોવાયો હતો.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે એક બાજુ ક્રૂડમાં તોફાની તેજી જોવા મળી રહી છે બીજી બાજુ ડોલર સામે રૂપિયો પણ ક્રૂડની તેજીના પગલે નરમ છે. તેના પગલે શેરબજારમાં પણ તેની અસર જોવાઈ છે. ટ્રેડર્સ હાલ વેઇટ એન્ડ વોચના મૂડમાં છે.

દરમિયાન આજે મિડકેપ સેક્ટરના શેર જેવા કે વક્રાંગી, ટીવીએસ મોટર, સેન્ટ્રલ બેન્ક, એમ્ફેસિસ કંપનીના શેરમાં પાંચ ટકા સુધીનું શરૂઆતે ગાબડું પડ્યું હતું, જ્યારે રિલાયન્સ પાવર, રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ ઇન્ફ્રામાં સુધારાની ચાલ જોવા મળી હતી.

કેપિટલ ગુડ્સ સેક્ટરના શેરમાં પ્રોફિટ બુકિંગ
એબીબી – ૦.૯૫ ટકા
બીઈએમએલ – ૧.૬૩ ટકા
ભારત હેવી ઈલે. – ૦.૩૧ ટકા
સિમેન્સ – ૦.૦૨ ટકા
એલ એન્ડ ટી – ૧.૩૪ ટકા

રિલાયન્સ કોમ્યુનિકેશન વધુ ૧૭ ટકા ઊછળ્યો
આજે શરૂઆતે રિલાયન્સ કોમ્યુનિકેશન કંપનીના શેરમાં વધુ ૧૨ ટકાનો ઉછાળો નોંધાયો હતો. શેર રૂ. ૧૮.૯૦ના મથાળે ટ્રેડિંગમાં જોવાયો હતો. આ શેર આજે એક તબક્કે રૂ. ૨૦.૬૫ની સપાટીએ પણ જોવા મળ્યો હતો. એરિક્સન સાથે સમાધાનના અહેવાલો પાછળ આ શેરમાં તોફાની તેજી જોવા મળી હતી.

એરિક્સને એનસીએલટીને જણાવ્યું હતું કે તેમની વચ્ચે સમાધાન માટે વાતચીત થઇ રહી છે, જેના પગલે આ શેરમાં ગઇ કાલ બાદ આજે પણ તેજીની ચાલ જોવા મળી હતી. દરમિયાન રિલાયન્સ નેવલ કંપનીના શેરમાં આજે શરૂઆતે આઠ ટકાનો ઉછાળો નોંધાયો હતો. આ શેર રૂ. ૧૮.૧૫ના મથાળે ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો.

ઓઈલ એન્ડ ગેસ કંપનીના શેર રેડ ઝોનમાં
વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં તોફાની તેજી જોવા મળી રહી છે. ક્રૂડ ૮૦ ડોલરની સપાટીને પાર થઇ ગયું છે, જોકે સરકારી ઓઇલ કંપનીઓએ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પગલે પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો અટકાવ્યો હતો. રૂપિયાની નરમાઇના પગલે ક્રૂડની ખરીદ પડતર ઊંચી આવતાં તથા ઓઇલ કંપનીઓને ઊંચા ભાવના પગલે મોટું આર્થિક નુકસાન જવાની ભીતિએ ઓઇલ એન્ડ ગેસ કંપનીના શેરમાં ઘટાડાની ચાલ જોવા મળી રહી છે.
બીપીસીએલ – ૧.૪૯ ટકા રૂ. ૩૮૫.૭૫
કેસ્ટ્રોલ – ૦.૧૨ ટકા રૂ. ૧૭૨.૦૦
ગેઈલ – ૦.૯૨ ટકા રૂ. ૩૨૭.૫૫
એચપીસીએલ – ૦.૮૭ ટકા રૂ. ૩૧૪.૫૦
ઈન્ડિયન ઓઈલ – ૦.૭૦ ટકા રૂ. ૧૬૩.૬૦
રિલાયન્સ – ૦.૦૬ ટકા રૂ. ૯૪૪.૬૦

You might also like