Categories: India

હજુ ઘણા જળવિવાદ ઉકેલ માગે છે

એકથી વધુ રાજ્યોમાંથી પસાર થતી હોય એવી નદીઓનાં પાણી માટે સંબંધિત રાજ્યો વચ્ચેના ઝઘડાઓ દેશમાં અનેક વખત હિંસક રૂપ ધારણ કરી ચૂક્યા છે એવા સંજોગોમાં ગત સપ્તાહે કર્ણાટક અને તામિલનાડુ વચ્ચેના કાવેરી જળ વિવાદ અંગે સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપીને વિવાદનું કાયમી નિરાકરણ કરી આપ્યું છે. સર્વોચ્ચ અદાલતે કર્ણાટકને કાવેરીના પાણીનો વધારે હિસ્સો ફાળવ્યો છે અને એટલા પ્રમાણમાં તામિલનાડુના હિસ્સામાં ઘટાડો કર્યો છે. આ ચુકાદા પછી તામિલનાડુના લોકોમાં ઉદાસી જોવા મળી હોવાના અહેવાલો હતા, પણ એવી લાગણીઓ સામાન્ય રીતે ક્ષણિક હોય છે. લોકો આવા વિવાદ માટે હિંસાનો માર્ગ અપનાવવાનું પસંદ કરતા નથી. જ્યારે પણ આવી હિંસા થઈ છે ત્યારે તેની પાછળ રાજકીય પક્ષો કે નેતાઓની ઉશ્કેરણી કામ કરી ગઈ હોય એવું બન્યું છે.

રાજકીય પક્ષો અને નેતાઓના રાજકીય સ્વાર્થને કારણે જ આવા વિવાદો વર્ષો સુધી ચાલ્યા કરે છે. અન્યથા સમજણપૂર્વક રાજ્યના અગ્રણીઓ સાથે મળીને આવા વિવાદોનો ઉકેલ લાવી શકતા હોય છે. તેને માટે અદાલતનો આશ્રય લેવાની જરૂર પડે એ જ આપણી કરુણતા છે. જે રાજ્યમાં નદીનું ઉદ્ગમ સ્થાન હોય એ રાજ્ય નદી પર પોતાનો માલિકી હક્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. તેના આધારે જ નદીના પાણી પર પહેલો અને સૌથી વધુ હક્ક એ રાજ્યનો હોવાનું પ્રતિપાદિત કરવાનો પ્રયાસ થાય છે. આ દૃષ્ટિકોણ જ પાયામાંથી ભૂલ ભરેલો છે, પરંતુ આ દૃષ્ટિકોણને આધારે જ નેતાઓ લોકોની ઉશ્કેરણી કરતા રહે છે. વ્યાપક રાષ્ટ્રીય હિતના દૃષ્ટિકોણને બદલે સંકુચિત પ્રદેશવાદનો દૃષ્ટિકોણ પ્રભાવી બને છે. રાજકારણીઓ લોકોના જાન-માલના ભોગે પાણીનું રાજકારણ ખેલે છે. તેમને માટે લોકપ્રિયતા મેળવવાનો અને લોકોને આકર્ષિત કરવાનો આ આસાન માર્ગ બની રહે છે.

રાજકારણીઓની નજર હંમેશાં મત પર જ રહે છે. આ મતની લાલચમાં જ તેઓ લોકોને ગેરમાર્ગે દોરે છે. ભવિષ્યમાં આવું ન બને અને આવા વિવાદોનો ઉકેલ રાષ્ટ્રીય ભાવના સાથે લાવવામાં આવે એ હેતુથી જ સર્વોચ્ચ અદાલતે જાહેર કર્યું છે કે નદીઓના પાણી એ રાષ્ટ્રીય સંપત્તિ છે. તેના પર કોઈ એક રાજ્ય હક્ક કે દાવો કરી શકે નહીં. આ જ સાચી સમજ છે. આ ચુકાદાને પગલે તામિલનાડુમાં તત્કાલ ઉગ્ર રાજકીય પ્રતિક્રિયા જન્મી નથી, એ સારું લક્ષણ છે. એકંદરે લોકો અદાલતનો ચુકાદો સ્વીકારી લેવાના મતના હોય છે. કાવેરી જળવિવાદનું કાયમી નિરાકરણ થઈ ગયું હોવાનું હવે માનીને ચાલી શકાય, પરંતુ ગોદાવરી, કૃષ્ણા, રાવી-બ્યાસ જેવી કેટલીય નદીઓના પાણીના વિવાદ આજે પણ યથાવત્ છે અને નિરાકરણ માટે અદાલતના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. આ વિવાદોને કારણે જ દેશના એક ડઝન જેટલાં રાજ્યોના લોકો ચિંતા અને વ્યગ્રતા અનુભવે છે. બને છે એવું કે નીચલી અદાલતના નિર્ણયને સ્વીકારવામાં આવતા નથી અને મામલાને છેક સર્વોચ્ચ અદાલત સુધી લઈ જવામાં આવે છે. તેના કારણે નિરાકરણની પ્રક્રિયા લંબાતી રહે છે. કાવેરી જળવિવાદમાં આવું જ બન્યું હતું. રાવી-બ્યાસ નદીના પાણીની વહેંચણીની બાબતમાં પણ પંજાબ અને હરિયાણા રાજ્ય વચ્ચે ઉગ્ર મતભેદો પ્રવર્તે છે અને તેને કારણે અનેક વખત હિંસક સંઘર્ષ થયા છે. આવા સંઘર્ષોને હંમેશાં રાજકીય પીઠબળ મળતું રહ્યું છે. જો એવું ન હોત તો રાવી-બ્યાસના પાણીનો ઝઘડો ક્યારનો ઉકેલાઈ ગયો હોત.

કેટલાક વિવાદ જળ ટ્રિબ્યુનલને હવાલે કર્યા પછી ટ્રિબ્યુનલના નિર્ણયને નહીં સ્વીકારવાનું વલણ ચલણી બન્યું છે. ટ્રિબ્યુનલમાં સ્થાન પામેલા નિષ્ણાતો પાણીની ઉપલબ્ધિ, જરૂરિયાત અને અન્ય વ્યવહારિક પાસાંને લક્ષમાં લઈ ગહન અભ્યાસ કર્યા પછી નિર્ણય આપે છે. આમ છતાં તેના નિર્ણયને ન માનવાનું વલણ એ વિવાદને લાંબા સમય સુધી ચાલુ રાખી રાજકીય સ્વાર્થ સિદ્ધ કરવાનું, હેતુસરનું હોય છે. આવી મનઃસ્થિતિમાંથી હવે બહાર આવવું જોઈએ. આવા સંકુચિત રાજકીય દૃષ્ટિકોણથી અત્યાર સુધી દેશે અને લોકોએ ઘણું નુકસાન સહન કર્યું છે. હવે લોકોએ પણ રાજકારણીઓને અદાલત અથવા ટ્રિબ્યુનલના નિર્ણયોને શિરોધાર્ય ગણવાની ફરજ પાડી પક્ષો કે નેતાઓની ઉશ્કેરણીને દાદ આપવાનું બંધ કરવું જોઈએ. નદીઓના પાણી એ રાષ્ટ્રીય સંપત્તિ છે એ વાતનો સાર્વત્રિક સ્વીકાર થવો જોઈએ.

——————————–.

Maharshi Shukla

Recent Posts

રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા ઝુંબેશ હાથ ધરાશે, CMએ ગૃહવિભાને આપ્યાં આદેશ

અમદાવાદઃ રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા માટે એક ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. 21 હજાર જેટલાં આરોપીઓને પકડવા માટે ગૃહવિભાગે કવાયત હાથ…

3 hours ago

PNBને ડિંગો બતાવનાર નીરવ મોદી વિદેશી બેંકોને કરોડો ચૂકવવા તૈયાર

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનાં મુખ્ય આરોપી નીરવ મોદીની હજુ શોધખોળ જારી છે. નીરવ મોદી ભારતીય બેન્કોના કરોડો રૂપિયા…

4 hours ago

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પ્રાથમિક શાળાઓમાં કન્યાઓને અપાશે માસિક ધર્મનું શિક્ષણ

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી પ્રાથમિક સ્કૂલોમાં માસિક ધર્મ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. પ્રાથમિક…

4 hours ago

DeepVeer Wedding: દીપિકા-રણવીર કોંકણી રીતિ રિવાજથી બંધાયા લગ્નનાં બંધનમાં

બોલીવૂડની સૌથી સુંદર જોડીઓમાંની એક જોડી એટલે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ. જેઓ હવે પતિ-પત્ની બની ચૂક્યાં છે. ઘણાં લાંબા…

5 hours ago

ઇસરોને અંતરિક્ષમાં મળશે મોટી સફળતા, લોન્ચ કર્યો સંચાર ઉપગ્રહ “GSAT-29”

અંતરિક્ષમાં સતત પોતાની ધાક જમાવી રહેલ ભારતે આજે ફરી વાર એક મોટી સફળતાનો નવો કીર્તિમાન રચ્યો છે. ઇસરોએ બુધવારનાં રોજ…

5 hours ago

RBI લિક્વિડિટી વધારવા ફાળવશે રૂ.૧૫ હજાર કરોડ

મુંબઇઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દેશની ઇકોનોમીમાં લિક્વિડિટી વધારવાની સરકારની માગણી સ્વીકારી લીધી છે. આરબીઆઇએ સરકારી સિક્યોરિટીઝની ખરીદી દ્વારા ઇકોનોમિક…

6 hours ago