Stock Market: સેન્સેક્સ 300 પોઈન્ટ ઊછળ્યો, જ્યારે નિફ્ટી 11,200ની પાર

અમદાવાદ: કેટલીક કંપનીઓના ત્રિમાસિક પરિણામો અપેક્ષા કરતા વધુ સારા રહેવાની ધારણા, સકારાત્મક એશિયન બજારો અને મજબૂત એફડીઆઇ રોકાણની અપેક્ષાથી બજારમાં આજે તેજીનું વલણ જોવા મળ્યું હતું. આજે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ ૩૦૦ પોઇન્ટના ઉછાળા સાથે ખૂલ્યો હતો અને નિફ્ટીએ પ્રથમ વાર રૂ. ૧૧,૨૦૦ની સપાટી વટાવી હતી.

મુંબઇ શેરબજારનો ૩૦ શેર પર આધારિત સેન્સેક્સ શરૂઆતના ટ્રેડિંગમાં ૩૦૮.૭૭ પોઇન્ટ એટલે કે ૦.૮૩ ટકાના વધારા સાથે ૩૭,૨૯૩.૪૧ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો.

છેલ્લા પાંચ બિઝનેસ સેશનમાં સેન્સેક્સમાં ૬૩૩.૪૧ પોઇન્ટનો વધારો નોંધાયો છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જની નિફ્ટી પણ પ્રારંભિક સેશનમાં ૭૭ પોઇન્ટ એટલે કે ૦.૬૯ ટકા વધીને ૧૧,૨૪૪.૩૦ની મહત્તમ સપાટીએ પહોંચી હતી. સેન્સેક્સમાં સૌથી વધુ આઇટીસીના શેરમાં તેજી જોવાઇ હતી. આઇટીસીનો શેર આજે ૬.૪૮ ટકા ઊછળીને ૩૦૫.૭૫ પર પહોંચી ગયો હતો.

You might also like