કાયદો અને વ્યવસ્થાને લઇ રાજ્યનાં પોલીસ વડાએ યોજી ક્રાઈમ કોન્ફરન્સ

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. અમદાવાદ શહેર સહિતનાં મહાનગરોમાં પોલીસ પર હુમલાનાં બનાવો, હત્યા, લૂંટફાટ અને વ્યાજખોરોનાં ત્રાસમાં સતત વધારો થયો છે.

ઘણાં શહેર અને જિલ્લામાં ક્રાઈમ રેટમાં સદંતર વધારો થતાં આશરે દોઢ વર્ષ બાદ રાજ્યનાં પોલીસવડાએ ક્રાઈમ કોન્ફરન્સનું આજે આયોજન કર્યું હતું. સવારે શરૂ થયેલી પ્રેસ કોન્ફરન્સમાં તમામ જિલ્લાનાં એસપી, પોલીસ કમિશ્નર, જોઈન્ટ પોલીસ કમિશનર સહિતનાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતનાં મોટાં શહેરોમાં દિન-પ્રતિદિન સામાન્ય બાબતમાં હત્યાનાં બનાવો બન્યાં છે. દર બે દિવસે એક હત્યાનો બનાવ રાજ્યમાં સામે આવે છે. ઉપરાંત અનેક મોટી ચોરીઓ અને લૂંટફાટનાં કિસ્સા વધ્યાં છે. તાજેતરમાં સુરત, બનાસકાંઠા, અડાલજ તેમજ અન્ય બે જગ્યાએ પોલીસ ઉપર પણ હુમલાનાં બનાવો બન્યાં છે.

આવી ગંભીર ઘટનાઓમાં સતત વધારો થતાં ક્રાઈમ રેટમાં વધારો થયો છે, જેનાં પગલે રાજ્યનાં પોલીસવડા પ્રમોદકુમારે આશરે દોઢ વર્ષ બાદ ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.

આજે સવારે શરૂ થયેલી ક્રાઈમ કોન્ફરન્સમાં અમદાવાદનાં પોલીસ કમિશ્નર એ.કે. સિંઘ, જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઈમ બ્રાન્ચ જે.કે. ભટ્ટ, જોઈન્ટ પોલીસ કમિશ્નર કે.એલ.એન. રાવ, જોઈન્ટ પોલીસ કમિશ્નર અશોક યાદવ, અમદાવાદ ગ્રામ્ય એસ.પી આર. વી. અસારી, રેન્જ આઈજી એ.કે. જાડેજા, રાજકોટ, વડોદરા સુરતનાં પોલીસ કમિશનર અને જિલ્લાનાં એસ.પી., ડીવાયએસપી સહિતનાં અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

સૂત્રોનાં જણાવ્યા મુજબ ક્રાઈમ કોન્ફરન્સમાં રાજ્યમાં જે રીતે ક્રાઈમ રેટમાં વધારો થઈ રહ્યો છે તેને કઈ રીતે અંકુશમાં લાવવો ઉપરાંત પોલીસનાં એડ‌િમ‌િનસ્ટ્રેશનની કામગીરી, દારૂનાં કેસ, ડિટેક્શન તેમજ અન્ય મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને રાજ્યમાં જે રીતે હત્યા-લૂંટફાટ અને પોલીસ પર હુમલાનાં બનાવો બન્યાં છે તેનાં ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી.

દારૂબંધીનાં કડક કાયદાનાં અમલીકરણ અને રાજ્યમાં જે રીતે ક્રાઈમ રેટમાં વધારો થઈ રહ્યો છે તેને કઈ રીતે અંકુશમાં લાવવો તેના ઉપર પણ આ પ્રેસ કોન્ફરન્સમાં ખાસ ચર્ચા કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

You might also like