Stock Market : Niftyમાં શરૂઆતે જોવા મળેલો સુધારો ધોવાયો

અમદાવાદ: વૈશ્વિક બજારમાં જોવા મળેલી સુધારાની ચાલના પગલે આજે શરૂઆતે સ્થાનિક બજાર પણ પોઝિટિવ ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૬૮ પોઇન્ટના સુધારે ૩૬,૪૪૧, જ્યારે એનએસઇ નિફ્ટી નવ પોઇન્ટના સુધારે ૧૦,૯૮૯ની સપાટીએ ખૂલી હતી. કન્ઝ્યુમર ડ્યુરેબલ, કેપિટલ ગુડ્સ કંપનીના શેરમાં લેવાલી જોવા મળી હતી. જોકે ઉપલા મથાળેથી શરૂઆતે નિફ્ટીમાં ધોવાણ થયેલું જોવા મળ્યું હતું. ૨૧ ટકાનો ઘટાડો નોંધાઈ ૧૦,૯૫૮ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

આજે શરૂઆતે વેદાંતા, અદાણી પોર્ટ, ઓએનજીસી કંપનીના શેરમાં ૧.૫૦ ટકા સુધીનો સુધારો જોવા મળ્યો છે. એ જ પ્રમાણે ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં પણ સુધારાની ચાલ જોવા મળી હતી તો બીજી બાજુ ભારતી ઇન્ફ્રાટેલ, એચપીસીએલ, બીપીસીએલ, એચડીએફસી, ગ્રા‌સિમ કંપનીના શેરમાં ત્રણ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

રિલાયન્સ કંપનીના શેરમાં આજે શરૂઆતે સકારાત્મક ચાલ જોવા મળી હતી. ૦.૧૯ ટકાના સુધારે આ કંપનીનો શેર ૧,૦૯૨.૬૦ના મથાળે ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો.  ટાટા સ્ટીલ, યસ બેન્કના શેરમાં પ્રોફિટ બુકિંગ જોવાયું હતું. શેર શરૂઆતે ત્રણ ટકા સુધી તૂટ્યા હતા.

શુગર શેરમાં ગાબડાં
આજે મોટા ભાગની શુગર કંપનીના શેરમાં ગાબડાં પડ્યાં છે. શુગર મિલોએ એક ક્વિન્ટલ શેરડી માટે ખેડૂતોને લઘુતમ રૂ. ૨૫૫ ચૂકવતી રકમમાં ગઇ કાલે કેબિનેટે રૂ. ૨૦નો વધારો કરવા મંજૂરી આપતા હવે રૂ. ૨૭૫ ચૂકવવા પડશે, જેના પગલે શુગર કંપનીઓના શેરમાં ત્રણથી છ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે.

બલરામપુર ચીની – ૬.૨૫ ટકા
ત્રિવેણી એન્જિ. – ૩.૧૦ ટકા
દાલમિયા શુગર – ૪.૨૫ ટકા
ધામપુર શુગર – ૫.૨૮ ટકા
દ્વારકેશ શુગર – ૩.૫૦ ટકા

આવતી કાલે રિઝલ્ટ પૂર્વે આ શેરમાં જોવા મળેલી વધ-ઘટ
અતુલ – ૧.૧૪ ટકા
બજાજ ઓટો + ૦.૫૯ ટકા
બજાજ હોલ્ડિંગ – ૧.૦૯ ટકા
બાટા ઈન્ડિયા + ૦.૦૧ ટકા
સિયેટ ટાયર + ૧.૨૨ ટકા
હેવેલ્સ + ૧.૪૫ ટકા
એચડીએફસી સ્ટાન્ડર્ડ – ૦.૩૧ ટકા
નાલ્કો – ૨.૮૩ ટકા
વિપ્રો + ૦.૬૭ ટકા

યુએસ કોર્પોરેટ કંપનીઓની મજબૂત કમાણીના પગલે વૈશ્વિક બજાર અપ
અમેરિકી સહિત એશિયાનાં મોટા ભાગનાં શેરબજાર સુધર્યાં હતાં. યુએસ કોર્પોરેટ કંપનીઓની મજબૂત કમાણીના પગલે અમેરિકી ઇકોનોમીમાં સુધારો જોવાશે તેવા સેન્ટિમેન્ટ પાછળ અમેરિકી શેરબજાર પોઝિટિવ બંધ થયાં હતાં. યુએસ એસએન્ડપી-૫૦૦ શેરબજાર ઇન્ડેક્સ છ પોઇન્ટના સુધારે ૨૮૧૫ પોઇન્ટના મથાળે બંધ જોવા મળ્યો હતો.

જે પાંચ મહિનાની ઊંચી સપાટીએ બંધ નોંધાયો હતો, જ્યારે યુએસ ડાઉ ઇન્ડેક્સ ૭૯ પોઇન્ટના સુધારે છેલ્લે ૨૫,૧૯૯ પોઇન્ટના મથાળે બંધ નોંધાયો હતો, જોકે નાસ્ડેક ઇન્ડેક્સ સાધારણ ૦.૬૭ પોઇન્ટનો ઘટાડો નોંધાઇ છેલ્લે ૭,૮૫૪ પોઇન્ટના મથાળે બંધ નોંધાયો છે.

દરમિયાન આજે મોટા ભાગનાં શેરબજાર પોઝિટિવ ખૂલ્યાં હતાં. હેંગસેંગ શેરબજાર ઇન્ડેક્સમાં ૮૮ પોઇન્ટનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો, જ્યારે જાપાનના નિક્કી ઇન્ડેક્સ, તાઇવાન ઇન્ડેક્સ અને શાંઘાઇ શેરબજાર ઇન્ડેક્સમાં પણ પોઝિટિવ ચાલ નોંધાઇ હતી.

You might also like