SRP જવાનની હત્યા કરાયેલી લાશ ચાદરમાં બાંધેલી હાલતમાં મળી અાવતાં ભારે ચકચાર

અમદાવાદ: વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં કાલાઘોડા નજીક નદીના પટમાં અાવેલા માતાજીના મંદિર પાસેથી ગઈ મોડીરાતે એસઅારપીના એક જવાનની હત્યા કરાયેલી ચાદરમાં બાંધેલી હાલતમાં લાશ મળી અાવતા અા ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અા અંગેની વિગત એવી છે કે મકરપુરા ખાતે એસઅારપી ગ્રૂપ-૯માં ફરજ બજાવતા અને ત્યાં જ પોતાના પરિવાર સાથે રહેતા મહેશભાઈ મગનભાઈ બારિયા (ઉં.વ.૩૮) ગઈકાલે સાંજે ફરજ પરથી છૂટ્યા બાદ તેને તેના પુત્રને ફોન કરી રૂપિયા બે હજાર લઈ કાલાઘોડા બોલાવ્યો હતો. જ્યારે તેનો પુત્ર પૈસા અાપવા ગયો ત્યારે મહેશભાઈ બારિયા અને એક અજાણ્યો માણસ સાથે ઊભા હતા. ત્યારબાદ મહેશભાઈએ હું રાતે મોડો ઘરે અાવીશ તેવું કહી તેના પુત્રને રવાના કરી દીધો હતો.

ત્યારબાદ કાલાઘોડા નજીક વિશ્વામિત્રી નદીના પટમાં અાવેલા સારથી માતાજીના મંદિર નજીકથી મહેશભાઈની લાશ ચાદરમાં બાંધેલી હાલતમાં મળી અાવી હતી. કોઈ અજાણ્યા શખસોએ અા એસઅારપી જવાનની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી લાશને ચાદરમાં ફેંકી દીધી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. અામ છતાં અા ઘટના ફરતે રહસ્યના અનેક જાળાં સર્જાયાં છે અને ઘટના પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. સયાજીગંજ પોલીસે અા અંગે હત્યાનો ગુનો દાખલ કરી અાગળની તપાસ શરૂ કરી અનેક લોકોના નિવેદનો લઈ પૂછપરછ હાથ ધરી છે.

You might also like