india vs pakistan champions trophy final - Sambhaav News
Wed, Nov 22, 2017
mobile apps
Sambhaav Audio News

કેપ્ટન વિરાટ અને ટીમ મેનેજમેન્ટનો જ નિર્ણય હતોઃ ‘ટોસ જીતીને બોલિંગ કરવી’

team-india

લંડનઃ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતનો શરમજનક પરાજય થયો. આ પરાજયે ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં બંને ટીમને ૨-૨ની બરોબરી પર લાવી દીધી. આની સામે ઘણા સવાલો પણ ઊભા થયા, એમાંનો એક સૌથી મોટો સવાલ ટોસ સાથે જોડાયેલો છે.

કેપ્ટન વિરાટ કોહલી અને ટીમ મેનેજમેન્ટે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ પહેલાં જ નક્કી કરી લીધું હતું કે ટોસ જીતીને બોલિંગ જ કરવાની છે. વિરાટે ટોસ જીત્યો અને નિર્ણય સંભળાવી દીધો. ટોસ બાદ તેણે કહ્યું હતું, ”પીચ ઘણી સખત અને સારી છે. આ એક તાજી વિકેટ છે. ઘાસ પણ છૂટુંછવાયું છે અને હું ઇચ્છું છું કે બોલર આ સ્થિતિનો ફાયદો ઉઠાવે. અમને લક્ષ્યનો પીછો કરવામાં મજા આવે છે.” સ્પષ્ટ છે કે ટીમ ઇન્ડિયાને લક્ષ્યનો સફળ પીછો કરવાનો સારો એવો અનુભવ છે, પરંતુ ગઈ કાલે એવું બન્યું નહીં. ચાહકોના મનમાં એક સવાલ એ ઊઠી રહ્યો છે કે પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય પીચ કરતાં વધુ જૂની વાતો અને પોતાના બેટ્સમેનોની વિચારસરણીને લઈને કરવામાં તો નહોતો આવ્યો ને?

ઉલ્લેખનીય છે કે પાછલી છ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટમાંથી પાંચ વાર એ જ ટીમની જીત થઈ છે, જેણે બાદમાં બેટિંગ કરી હતી. જોકે ગત વખતની ફાઇનલમાં ભારતે પહેલા બેટિંગ કરીને ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. આ ઉપરાંત આ ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો પર નજર કરીએ તો ભારત-પાક. ફાઇનલ ઓવલના મેદાન પર રમાઈ એ છઠ્ઠો મુકાબલો હતો. આ પહેલાં આ મેદાન પર પાંચ મેચ રમાઈ હતી, જેમાંથી રદ થયેલી મેચ (ઓસ્ટ્રેલિયા-બાંગ્લાદેશ)ને બાદ કરવામાં આવેતો ચાર મુકાબલામાંથી ત્રણ વાર એ જ ટીમ જીતી હતી, જેણે બાદમાં બેટિંગ કરી હતી અને એ મેચમાં ભારત-શ્રીલંકાની મેચ પણ સામેલ હતી. એ મેચ શ્રીલંકાએ સાત વિકેટે જીતી લીધી હતી.

હવે સવાલ એ જ છે કે શું વિરાટે આ જ કારણથી પહેલી બેટિંગ કરવાના બદલે ભૂતકાળના આંકડા પર વધારે આપ્યું હતું? જે પીચને કોહલીએ બોલરને અનુકૂળ બતાવી હતી એ જ પીચ પર પાકિસ્તાને પહેલી બેટિંગ કરીને ૩૩૮ રનનો પહાડ જેવો સ્કોર ખડકી દીધો અને બાદમાં ભારતને ૧૫૮ રને સમેટી દઈને વિશાળ ખિતાબી જીત હાંસલ કરી હતી.

આર. અશ્વિનને શા માટે ટીમમાં સામેલ કર્યો?
મેચના એક દિવસ પહેલાં જ અશ્વિનને પ્રેક્ટિસ દરમિયાન ઘૂંટણમાં ઈજા થઈ હતી. બધાના મનમાં સવાલ હતો કે અશ્વિન ફાઇનલમાં રમવા માટે સંપૂર્ણપણે ફિટ છે કે નહીં? આમ છતાં કોહલીએ તેને અંતિમ ઈલેવનમાં સામેલ કર્યો. પરિણામ એ આવ્યું કે અશ્વિન સમગ્ર મેચ દરમિયાન ક્યારેય પણ પાકિસ્તાની બેટ્સમેન પર પ્રભાવ પાડી શક્યો નહીં અને ૧૦ ઓવરમાં એક પણ વિકેટ ઝડપ્યા વિના ૭૦ રન લૂંટાવી દીધા.

કોહલી ખુદ ખરાબ શોટ રમ્યો
૩૩૮ રનના વિશાળ સ્કોરનો પીછો કરી રહેલી ટીમ ઇન્ડિયાને પહેલો ઝટકો પહેલી જ ઓવરના ત્રીજા બોલ પર રોહિત શર્માના રૂપમાં જ લાગ્યો હતો. આમ છતાં કોહલી િવકેટ પર ટકીને રમ્યો નહીં. એક સમયે ટીમને તેની બહુ જ જરૂર હતી, પરંતુ એક જીવનદાન મળ્યા છતાં પછીના બોલે પર કોહલી એક ખરાબ શોટ રમી બેઠો અને ટીમને વધુ મુશ્કેલ પળમાં મૂકીને પેવેલિયનમાં પાછો ફર્યો.

કેદાર જાધવને શા માટે ૩૯મી ઓવરમાં બોલાવ્યો?
બાંગ્લાદેશ સામે બોલિંગ સારું પ્રદર્શન કરનારા કેદાર જાધવને ગઈ કાલની ફાઇનલમાં વિરાટ કોહલીએ બહુ મોડે મોડે બોલ સોંપ્યો. જાધવને ૩૯મી ઓવરમાં બોલિંગ કરવા બોલાવાયો અને ૫૦ ઓવર સુધી તેની પાસે ફક્ત ત્રણ જ ઓવર કરાવાઈ. જાધવ એક વિકેટ પણ ઝડપી ચૂક્યો હતો.
http://sambhaavnews.com/

loading...
loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

loading...
loading...