તમારી નોકરીના કારણે તમે બાળકોને ટાઈમ આપી શકતા નથી, તો બસ અપનાવો આ ટિપ્સ

વધતી મોંઘવારીના કારણે ઘરમાં માતા પિતા બંને નોકરી કરતા હોય તેવું સામાન્ય રીતે બધા જ ઘરમાં જોવા મળે છે. ઘણીવાર તો ઘરના બધા સભ્યો કામ કરતા હોય અને બાળકોનું ધ્યાન આયા રાખતી હોય એવું પણ જોવા મળતું હોય છે.

જો કે કામની બાબતમાં સૌથી વધુ મુશ્કેલી મહિલાઓને પડતી હોય છે. વર્કિંગ વુમનના માથે ઑફિસની જવાબદારીની સાથે સાથે ઘર અને બાળકોની જવાબદારીઓ એકસાથે ઉપાડવાની હોય છે.

મહિલાઓને ઘર અને ઑફિસ વચ્ચે સંતુલન જાળવી રાખવામાં ઘણી મુશ્કેલીઓ ઉભી થતી હોય છે. જો કે એવામાં મહિલાઓએ કેટલીક સૂઝબૂઝ સાથે કામ કરવું જોઈએ, જેથી ઓફિસનો થાક પણ ના લાગે અને બાળકોને પણ પ્રેમ કરી શકાય.

મહિલાઓને ઓફિસના કામ જેટલી જ બાળકોના અભ્યાસની અને ઘરકામની ચિંતા રહેતી હોય છે. વળી પાછું બાળકો પોતાની મમ્મી સાથે મનથી જોડાયેલા હોય છે. તેટલું બાળકો અન્ય વ્યક્તિઓ સાથે જોડાઈ શકતા નથી. જો તમે પણ વર્કિંગ વુમન હોવ તો અમારી આ નાની નાની ટિપ્સ અપનાવી લો અને બાળકોની ગ્રેટ મમ્મી બની જાઓ.

1) ડિનર વખતે આખા દિવસની વાતો કરો
તમે રાત્રિના સમયે પરિવારના તમામ સભ્યો સાથે ડિનર કરવાનું રાખો. બાળકો સાથે આખા દિવસની વાતો કરો. દિવસની સારી અને ખોટી વાતો એમ બંને વાતો તેને પૂછો અને તેમાંથી જ તેમને કંઈક ને કંઈક શીખવાડતા રહો અને થોડી મજાકની પળો પણ માણતા રહો. જો શક્ય હોય તો બાળકને જાતે ખવડાવવાનું પણ રાખો.

2) રસોઈ બનાવવામાં બાળકની મદદ લો
દરરોજ ડિનર તૈયાર કરવામાં બાળકની મદદ લો. તમે બાળક પાસે નાના મોટા કામ કરાવો, જેમ કે કોઈ વસ્તુ પકડીને લાવવાનું કહો. ટેબલ સજાવવું કે ડિનર પ્લેટ મૂકવી અથવા પાણી આપવા જેવા નાના નાના કામમાં બાળકોને પરોવી રાખો. જેના કારણે તમારું કામ પણ થશે અને તમારો કોન્ટેક્ટ સતત બાળકની સાથે પણ રહેશે.

3) રમતગમતની વાતો કરો
બાળકોને રમવાનો શોખ જેટલો હોય છે તેટલો કશાનો હોતો નથી. તમે બાળકો સાથે રમવા કૂદવાની વાતો કરો. આખા દિવસમાં રમેલી રમત વિશે વાતો કરો અને તેના નિયમો શીખવાડો. શક્ય હોય તો કાર્ટૂન ચેનલ કે સ્પોર્ટ્સ ચેનલો પણ બતાવો. જેનાથી બાળકો ખુશ પણ થશે અને તેમનું નોલેજ પણ વધશે.

4) પરિવારના સભ્યો પણ રમી શકે તેવી રમત રમો
ડિનર બાદ પરિવારના અન્ય સભ્યો પણ રમી શકે તેવી રમતો રમવાનું રાખો. સવાલ-જવાબ જેવી રમત કે કેરમ અથવા સાપસીડી જેવી રમતો એકસાથે બેસીને રમી શકો છો. પરિવારના બાળકોની સાથે સાથે વૃદ્ધોને પણ સામેલ કરો.

5) થોડો સમય મસ્તી કરો
બાળકોને નોકરીથી આવીને તરત જ પહેલા થોડો સમય આપો અને પછી અન્ય કામ હાથમાં લો. બાળકોને વાર્તાઓ કહો અથવા જોક્સ કહીને તેમને હસાવો. બાળકો નાના હોય તો તેમની સાથે ભરપૂર મસ્તી કરો. બાળકોને મનગમતો નાસ્તો પણ ઘરે આવીને બનાવી આપો અને ખુશ કરો.

You might also like