SP રિંગ રોડ પર યુવતી સાથે બેઠેલા યુવકની ચપ્પાના ઘા ઝીંકી હત્યા

અમદાવાદ: તમે અહીં બેસી શું કરી રહ્યાં છો તેવું કહી યુવક-યુવતી સાથે ઝઘડો કરીને ત્રણ અજાણ્યા શખસોએ યુવકની ઘાતકી હત્યા કરી દેતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઇ છે. નિકોલ વિસ્તારમાં આવેલ એસ.પી. રિંગ રોડ પર બાઇક પાર્ક કરી યુવક-યુવતી બેઠા હતા તે સમયે બાઇક પર આવેલા અજાણ્યા શખસોએ ઘાતકી હત્યા કરી હતી.

શહેરમાં દિન પ્રતિદિન હત્યાના બનાવો વધી રહ્યા છે. બે દિવસ પહેલાં ઓઢવમાં એક યુવતીની હત્યાનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી ત્યારે ગઇ કાલે સાંજે ૭-૩૦ કલાકે એસ.પી. રિંગ રોડના સર્વિસ રોડ પર એક એમબીએના વિદ્યાર્થીની હત્યા કરાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે નોબલનગર વિસ્તારમાં આવેલા શ્રીમાન પાર્ક સોસાયટીમાં રહેતાં રર વર્ષીય શાલિનીબહેન ઉર્ફે શાલુ અરુણકુમાર રાજપૂતે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. શાલિની બાપુનગર ખાતે અાવેલી કોલેજમાં એમબીએમાં અભ્યાસ કરે છે. કોલેજમાં તેની સાથે અભ્યાસ કરતા તેના મિત્ર વીરલ ઉર્ફે વિક્કી ધર્મેન્દ્રભાઇ ક્ષત્રિયઅે (રહે. શ્રી સદન સોસાયટી, વિરાટનગર, ઓઢવ) ગઇ કાલે શાલિનીને મળવા માટે ફોન કર્યો હતો. જેમાં શાલિનીએ મુલાકાતની હા પાડતાં સાંજે વીરલ શાલિનીને લેવા માટે તેના ઘર પાસે ગયો હતો.

પોલીસ સૂત્રોનાં જણાવ્યાનુસાર વીરલ અને શાલિની બાઇક પર એસ.પી. રિંગ રોડ પર ફરવા નીકળ્યાં હતાં તે સમયે સાંજે આશરે ૭-૩૦ની આસપાસ એસ.પી. રિંગ રોડ પર આવેલા વસાણી પાર્ટી પ્લોટ પાસે સર્વિસ રોડ પર બાઇક સાઇડ પર પાર્ક કરી બેેેઠાં હતાં. તે સમયે ત્રણ અજાણ્યા યુવકો વીરલ અને શાલિની પાસે આવ્યા હતા અને ધમકાવી તમે અહીં બેસીને શું કરી રહ્યા છો તેમ કહી વીરલની બાઇકની ચાવી કાઢી લીધી હતી. બાઇકની ચાવી પરત લેવા માટે વીરલ તથા ત્રણ અજાણ્યા યુવકો વિરુદ્ધમાં ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેમાં ત્રણ યુવકોએ વીરલ પર હુમલો શરૂ કરી દીધો હતો. જે પૈકી એક યુવકે વીરલના છાતીના ભાગે ચપ્પાના ઘા ઝીંકી દીધા હતા.

વીરલ પર હુમલો કર્યા બાદ હુમલાખોરો બાઇક લઇને ફરાર થઇ ગયા હતા. વીરલને માર ખાતો જોઇ રહેલી શાલિનીએ બૂમાબૂમ કરી મૂકતાં લોકોનાં ટોળાં એકત્ર થઇ ગયાં હતાં. જ્યાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વીરલને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. નિકોલ પોલીસે આ ઘટનાના પગલે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે ત્યારે ત્રણ અજાણ્યા યુવકો કોણ છે અને આ હત્યા કરવા પાછળ તેમનો ઇરાદો ક્યો હોઇ શકે તે જાણવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like