શ્રીસૂક્તનું ગોપનીય રહસ્ય

જગતના દરેક મનુષ્યને અઢળક લક્ષ્મી પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય છે. આ માટે એકલો પુરુષાર્થ કામ આવતો નથી. આ માટે દરેકે પુરુષાર્થ સાથે લક્ષ્મી પ્રાપ્તિના અન્ય ઉપાય પણ યોજવા જોઇએ.
શ્રીસૂક્ત ઋગ્વેદના પાંચમા મંડળમાં વિગતે વર્ણવેલ છે. તેમાં ૧૬ ઋચા છે. જેનો નિયમિત પાઠ કરવાથી તેનું યોગ્ય પરિણામ મળે છે. ભક્તો તેનો વારંવાર પ્રયોગ કરી ઇચ્છિત પરિણામ મેળવે છે. લક્ષ્મી પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાએ શ્રીસૂક્ત નિયમિત કરવું અથવા શ્રીસૂક્તની ઋચાથી હવન કરવો. જે કોઇ ભક્ત શ્રીસૂક્તનો નિયમિત પાઠ કરે છે તેના ઉપર લક્ષ્મીજી સદૈવ પ્રસન્ન રહે છે. તેને કદી આર્થિક સંકટ ભોગવવાં નથી પડતાં.
શુભ કર્મ કે અશુભ કર્મ કદી નિષ્ફળ નીવડતાં જ નથી. શ્રીસૂક્તની ઉપાસના કરવા છતાં યોગ્ય પરિણામ ન મળતું હોય તો ભયંકર અશુભ કર્મનો ઉદય જાણી પાઠ સંપૂર્ણ શ્રદ્ધાથી કર્યે જ રાખવા. અશુભ કર્મનો ઉદય પૂર્ણ થતાં જ શુભ કર્મોનો પ્રાદુર્ભાવ થતાં તેનું ફળ મળે છે. શ્રીસૂક્ત કરતાં પહેલાં પુરુષસૂક્તનો પાઠ કરવો જોઇએ. આ બાબતનો ઉલ્લેખ ભાગવતજીમાં પણ છે.
શ્રીસૂક્તનો પાઠ કરતી વખતે લક્ષ્મી વિષ્ણુની ચાંદીની મૂર્તિ સન્મુખ પધરાવવી. સાથે શ્રીયંત્ર પણ મૂકવું. મૂર્તિથી ફળ જલદી મળે છે. શ્રીસૂક્તની ત્રણ માસ નિયમિત ઉપાસના કરવા છતાં યોગ્ય ફળ ન મળે તો પણ ઉપાસના સ્થળ ફેરવવું નહીં કે સમય બદલવો નહીં. બને તો દશાંગ ધૂપ વાપરવો. તેના અભાવે સુગંધિત અગરબત્તી વાપરવી, કારણ કે દેવતાઓને સુગંધી ખૂબ પ્રિય હોય છે. માટે જ પૂજા પાઠમાં ધૂપ દીપ અગરબત્તીનું વિશેષ સ્થાન છે. દીવો બને તો ગાયના શુદ્ધ ઘીનો જ કરવો. દીવો ચાંદી, સોના, પિત્તળ કે તાંબાના કોડિયામાં જ કરવો. લોખંડ કે સ્ટીલની દીવીનો ઉપયોગ કરવો નહીં. આવી ધાતુ સદા પૂજા માટે વર્જ્ય છે. લક્ષ્મીજીને સોનચંપો ખૂબ જ ગમે છે. જ્યાં સોનચંપાનું વૃક્ષ હોય છે કે જ્યાં તેનાં પુષ્પથી પૂજા થતી હોય તો ત્યાં લક્ષ્મીજી અવશ્ય વસે છે. જો તેનું એક જ પુષ્પ બંધ ઓરડીમાં મૂકો તો આખો ઓરડો મઘમઘી ઊઠે છે.
શ્રી લક્ષ્મીજીને કમળ, સોનચંપો, મોગરો, જાસૂદ અને સેવંતી ખૂબ પ્રિય હોય છે. તેથી તેમની પૂજા આ પુષ્પથી જ કરવાનો આગ્રહ રાખવો. શ્રીસૂક્તની એકેએક ઋચા ખૂબ પવિત્ર છે. શ્રીસૂક્ત કરનારને દીકરા, દીકરાના દીકરા, ધન, ધાન્ય, હાથી, ઘોડા, ગાય, બળદ, રથ, વાહન વગેરે તમામ સુખ મળે છે. જે નિયમિત શ્રીસૂક્તનો પાઠ કરી પુણ્યનાં કર્મબીજ વાવે છે તેને ઉત્તમ ફળ સુખ મળે જ છે. આમ શ્રીસૂક્ત કરનાર આ જગતમાં લગભગ તમામ પ્રકારનાં સુખ અવશ્ય ભોગવે છે. મહાલક્ષ્મીજી પોતાના ભક્તોનું દરેક રીતે ઇષ્ટ કલ્યાણ કરતાં હોવાથી અને દરેક વ્યક્તિને સુખી થવાની પ્રબળ ઝંખના હોવાથી લોકો શ્રીસૂક્ત તથા લક્ષ્મી ઉપાસના કરતા જોવા મળે છે.•

You might also like