PM આગળ આવે, આર્થિક મંદી પરના સવાલોના જવાબ આપેઃ શત્રુઘ્ન સિંહા

નવી દિલ્હી: મોદી સરકારની આર્થિક નીતિ પર ખાસ કરીને નાણાપ્રધાન અરુણ જેટલી પર નિશાન તાકીને બોલનારા પૂર્વ નાણાપ્રધાન યશવંત સિંહાને ભાજપના વરિષ્ઠ નેતા અને અભિનેતા શત્રુઘ્ન સિંહાએ સમર્થન આપ્યું છે. યશવંત સિંહાને સમર્થન આપતાં શત્રુઘ્ન સિંહાએ આજે ટ્વિટ કર્યું હતું કે આ જ યોગ્ય સમય છે કે જ્યારે માનનીય વડા પ્રધાન અને આ લોકતંત્રના વડા સામે આવે અને જનતા તેમજ મીડિયાના સવાલોનો સામનો કરે. આશા રાખું છું કે આપણા વડા પ્રધાન એવું બતાવશે કે તેઓ દેશના મધ્યમવર્ગ, વેપારીઓ અને નાના વેપારીઓનો ખ્યાલ રાખે છે. ગુરુવારે શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું હતું કે મોદી સરકાર દ્વારા પોલિસી અને અર્થતંત્ર પર યશવંત સિંહાનાં સૂચનો ઠુકરાવવાની હરકત બાલીશ ગણાશે.

આજે શત્રુઘ્ન સિંહાએ ટ્વિટમાં લખ્યું છે કે દેશના અર્થતંત્ર પર શ્રીમાન યશવંત સિંહાનાં સૂચનોને મારી સાથે દેશના વિચારશીલ નેતાઓ અને આપણા પક્ષના બહારના લોકોએ જોરદાર સમર્થન કર્યું છે. યશવંત સિંહાને સતત બે દિવસથી સમર્થન મળી રહ્યું છે. વડા પ્રધાન હવે આગળ આવે અને આર્થિક મંદી પર ઊભા થઈ રહેલા સવાલોના જવાબ આપે.
શત્રુઘ્ન સિંહાએ ટ્વિટમાં વધુમાં જણાવ્યું હતું કે હું આશા રાખું છું અને પ્રાર્થના કરું છું કે આપણા વડા પ્રધાન કમસે કમ એક વાર તો બતાવશે કે તેઓ સમગ્ર દેશના ખાસ કરીને જ્યાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે તે ગુજરાતના મધ્યમવર્ગ, વેપારીઓ અને નાના વેપારીઓનું ધ્યાન રાખે છે. ભાજપ/એનડીએ લાંબા સમય સુધી રહે…. જય બિહાર, જય મહારાષ્ટ્ર, જય ગુજરાત અને જય હિન્દ.

બિહારથી ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહાએ ટ્વિટ કરીને ગુરુવારે જણાવ્યું હતું કે યશવંત સિંહા સાચા નેતા અને નિવડેલ બુદ્ધિશાળી વ્યક્તિ છે. તેમણે સફળ નાણાપ્રધાન તરીકે સ્વયંને પુરવાર કર્યા છે. તેમણે દેશની આર્થિક સ્થિતિ પર આઈનો બતાવ્યો છે અને સમસ્યાના મૂળ પર ઘા કર્યો છે.

You might also like