DPS BOPAL: વાલીઅોના લીડરના પુત્રનું LC શાળાઅે ઇ-મેઈલથી મોકલી દીધું

અમદાવાદ: બોપલ ખાતે આવેલ ડીપીએસ શાળાના એક વિદ્યાર્થીને ઇમેઇલ પર એલસી આપી દેવાના મુદ્દે મોટી સંખ્યામાં વાલીઓએ હોબાળો મચાવ્યો છે. ડીપીએસ વાલીમંડળ એસોસીએશનના પ્રમુખના ત્રીજા ધોરણમાં ભણતાં પુત્રનું અેલસી ઇ-મેઇલથી મોકલી દેતા અા લખાય છે ત્યારે વાલીઓ મોટી સંખ્યામાં સ્કૂલની દાદાગીરી સામે બોપલ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.

ફી વધારાના મુદ્દે છેલ્લા બે મહિનાથી શાળા સંચાલકો સામે લડી રહેલા વાલીઓને ખાસ ટાર્ગેટ બનાવીને તેમના સંતાનોને શાળામાંથી તગેેડી મૂકવાનું સંચાલકોનું કાવતરું હોવાની ફરિયાદ સાથે વાલીઓ પોલીસ સ્ટેશનમાંં ફરિયાદ નોંધાવશે.

વાલીમંડળ એસોસીએશનના પ્રમુખ ગૌરવ ચોપરાનું કહેવું છે કે તેના પુત્રની સાથે સાથે આજે અન્ય વાલીઓના ૩૦થી ૪૦ બાળકોને પણ એલસી પકડાવી દે તેવી શકયતાને પગલે તેઓએ પોલીસનો સહારો લીધો છે. સાથે સાથે બીજી તરફ નિકોલની આર.પી.સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓના પરિણામ અટકાવી દેતાં વાલીઓ અને સંચાલકો સામ સામે આવી ગયા હતા. શાળા સંચાલકોએ સ્કૂલના ગેેટ બંધ કરી દીધા હતા.

ડીપીએસ શાળાના વાલીઓએ ફરિયાદ કરી છે કે ફીના મુદ્દે શાળા સંચાલકો તેમને દબાણ કરી રહ્યા છે. વાલીઓ ચેક અથવા બીજા માધ્યમથી ફી ભરવા તૈયાર હોવા છતાં શાળા સંચાલકો ઇસીએસનો આગ્રહ રાખે છે. જેના કારણે મામલો બીચકયો હતો. શાળામાં ગઇ કાલે પણ સતત આઠ કલાક સુધી વાલીઓ અને સંચાલકો વચ્ચે ઘર્ષણ થયું હોવા છતાં તેનો યોગ્ય નિકાલ આવ્યો નહોતો.

નિકોલ ખાતેની ડિવાઇન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પણ ફી ભરવા સંમત વાલીઓના બાળકોના પ્રવેશ રદ કરવાની ચીમકી શાળા સંચાલકોએ આપતાં આક્રોશ સર્જાયો હતો. આગામી શૈક્ષણિક વર્ષ માટે ડિવાઇન શાળા દ્વારા વાલીઓ પાસેથી રૂ.પ,૦૦૦ની ફી માગવામાં આવી છે. જેને લઇને અગાઉ પણ હોબાળો થયો હતો.

દરરોજ કોઇને કોઇ સ્કૂલમાં ફીના મુદ્દે હોબાળાના સમાચારો આવી રહ્યા છે. ગઇ કાલે પણ મેમનગર ખાતે આવેલી દિવ્યપથ શાળામાં પણ ફીના મુદ્દે હેરાનગતિથી ત્રસ્ત વાલીઓએ સ્થાનિક ધારાસભ્ય અને મહેસૂલ પ્રધાન કૌશિકભાઇ પટેલ સમક્ષ રેલી કાઢીને શાળા સંચાલકો વિરુદ્ધ રજૂઆત કરી હતી. આજે પણ ડીપીએસ સ્કૂલની દાદાગીરીનો મામલો સામે આવ્યો છે.

સંચાલકોએ વાલીઓને વિદ્યાર્થીઓના એલસી પકડાવી દેતાં વાલીઓએ મોટી સંખ્યામાં પહોંચીને સ્કૂલ પર હોબાળો મચાવ્યો છે. ૧૦૦થી વધુ વાલીઓ બોપલ પોલીસ સ્ટેશન પર એકઠા થયા છે. વાલીઓનું કહેવું છે કે જે વાલીઓ શાળા સંચાલકો સાથે ફીના મુદ્દે વિરોધ કરી રહ્યા છે તેમને જ ટાર્ગેટ બનાવાયા છે. અને વિરોધ કરતા વાલીઓને હેરાનગતિ કરવામાં આવી રહી છે. બોપલની ડીપીએસ શાળાએ ૪૦થી પ૦ વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવાની ધમકી આપી છે.

You might also like