આગામી સપ્તાહમાં પણ શેરબજારમાં સકારાત્મક ચાલ નોંધાઈ શકે છે

0 7

શેરબજાર નવી ઊંચાઇએ બંધ જોવા મળ્યું હતું. ગઇ કાલે દિવસના અંતે બીએસઇ સેન્સેક્સ ૮૮ પોઇન્ટના સુધારે ૩૪,૫૯૨, જ્યારે એનએસઇ નિફ્ટી ૩૦ પોઇન્ટના સુધારે ૧૦,૬૮૧ પોઇન્ટની સપાટીએ બંધ જોવાઇ હતી. નિફ્ટી ૧૦,૬૫૦ પોઇન્ટની ઉપર બંધ જોવાઇ છે તે એક સારાે સંકેત ગણાવી શકાય. સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં ૧.૩ ટકા, જ્યારે નિફ્ટીમાં ૧.૧૫ ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો.

શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી સપ્તાહે શેરબજારમાં રેન્જબાઉન્ડ મૂવમેન્ટ જોવા મળી શકે છે. એક બાજુ ક્રૂડ ૭૦ ડોલર પ્રતિબેરલની સપાટીએ પહોંચી ગયું છે તો બીજી બાજુ ક્રૂડની ઊંચી ખરીદ પડતરના પગલે ઓઇલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી રહી છે. આ જોતાં ફુગાવો વધવાની ભીતિ સેવાઇ રહી છે.

નોંધનીય છે કે નવેમ્બરમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ૪.૮૮ ટકા હતો તે ડિસેમ્બરમાં વધીને ૫.૨૧ ટકાની સપાટીએ પહોંચી ગયો છે. ખાવા-પીવાની ચીજવસ્તુઓ અને ડુંગળીના ભાવમાં વધારાના કારણે રિટેલમાં ફુગાવાનો આંક વધ્યો છે, જે બજાર માટે ચિંતાજનક છે.

દરમિયાન ગઇ કાલે છેલ્લે બેન્ક નિફ્ટી ૨૫,૭૪૯ની સપાટીએ બંધ જોવાઇ છે. બેન્ક નિફ્ટીમાં સકારાત્મક ચાલ શેરબજારને સપોર્ટ કરે છે. આગામી સપ્તાહે નિફ્ટી ૧૦,૫૮૦-૧૦,૫૯૦થી ૧૦,૭૦૦-૧૦,૭૫૦ની સપાટીની રેન્જમાં જોવા મળી શકે છે.

આગામી સપ્તાહે રિલાયન્સ, ભારતી એરટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, યસ બેન્ક, અતુલ, એચડીએફસી બેન્ક, આઇટીસી, કોટક મહિન્દ્રા બેન્ક જેવી અગ્રણી કંપનીઓનાં પરિણામ આવશે. રોકાણકારોની નજર તેના ઉપર રહેશે એટલું જ નહીં, ૧ ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ છે, જેમાં કેટલીક રાહત મળે તેવી શક્યતા છે, જેના પગલે એફઆઇઆઇ પોઝિટિવ છે. આગામી સપ્તાહે પણ બજારમાં સકારાત્મક ચાલ નોંધાઇ શકે છે તેવો મત નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાયો છે.

આગામી સપ્તાહે આ કંપનીનાં પરિણામ આવશે
– સોમવારઃ ડેલ્ટા કોર્પોરેશન, ફેડરલ બેન્ક, ઝી લર્ન
– મંગળવારઃ એમસીએક્સ, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ, નેટવર્ક ૧૮, ટીવી ૧૮ બ્રોડકાસ્ટ
– બુધવારઃ અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન, ડીસીબી બેન્ક, હિંદુસ્તાન યુનિલિવર, જ્યુબિલન્ટ, લાઇફ સાયન્સ, માઇન્ડ ટ્રી, ટાટા સ્પોન્જ.
– ગુરુવારઃ અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ, ભારતી એરટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, હિંદુસ્તાન ઝિંક, કિર્લોસ્કર ઇન્ડસ્ટ્રીઝ, માસ્ટેક, યસ બેન્ક.
– શુક્રવારઃ રિલાયન્સ, અતુલ, એચસીએલ ટેક્નો., એચડીએફસી બેન્ક, એચડીએફસી સ્ટાન્ડર્ડ લાઇફ, આઇસીઆઇસીઆઇ પ્રૂડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ આઇડીએફસી બેન્ક, આઇટીસી, કોટક મહિન્દ્રા બેન્ક, એનઆઇઆઇટી ટેક્નોલોજી, પીસી જ્વેલર્સ, ટાટા એલેક્સી, વિપ્રો.

loading...

Leave A Reply

Your email address will not be published.