શેરબજારમાં ધમાકેદાર શરૂઆત સેન્સેક્સ ૩૩૦ પોઈન્ટ અપ

અમદાવાદ: આજે સપ્તાહની શરૂઆતે શેરબજારમાં ઉછાળો નોંધાયો હતો. વૈશ્વિક શેરબજારમાં સુધારાની ચાલથી બીએસઈ સેન્સેક્સ ૩૩૯ પોઈન્ટને સુધારે ૩૩,૬૪૧ જ્યારે એનએસઈ નિફ્ટી ૧૦૮ પોઈન્ટને સુધારે ૧૦,૩૩૪ પોઈન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. જોકે જાહેર ક્ષેત્રની બેન્કના શેરમાં આજે પણ વેચવાલી જોવા મળી હતી.

આજે શરૂઆતે એફએમસીજી, આઈટી, ફાર્મા, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં પોઝિટિવ ચાલ જોવા મળી હતી. આઈટીસી, ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ, સન ફાર્મા અને ઈન્ફોસિસ કંપનીના શેરમાં ૧.૫ ટકાથી ૨.૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો.

તો બીજી બાજુ એસબીઆઈ, ટાટા મોટર્સ કંપનીના શેર પ્રેશરમાં જોવા મળ્યા હતા.બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વિદેશી સંસ્થાગત રોકાણકારોની જોરદાર લેવાલી તથા રૂપિયાના મજબૂતાઈની ચાલના પગલે શેરબજારમાં ઉછાળો નોંધાયો છે.

હેંગસેંગ ઇન્ડેક્સ ૪૦૦ પોઇન્ટ અપ
આજે શરૂઆતે એશિયાઇ શેરબજાર ઊંચા ગેપથી ખુલ્યું હતું. મોટા ભાગનાં એશિયાઇ શેરબજારમાં સકારાત્મક ચાલ નોંધાતી જોવા મળી હતી. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ ૩૦૦ પોઇન્ટ સુધર્યો હતો જ્યારે હેંગસેંગ શેરબજાર ઇન્ડેક્સમાં ૪૦૦ પોઇન્ટનો ઉછાળો નોંધાઇ ૩૧ હજારને પાર ૩૧,૩૯૯ની સપાટીએ જોવા મળ્યો હતો એટલું જ નહીં, સ્ટ્રેઇટ ટાઇમ્સ ઇન્ડેક્સ, ‌દક્ષિણ કોરિયાના કોસ્પી અને ચીનના સાંઘાઇ શેરબજાર ઇન્ડેક્સમાં પણ સકારાત્મક ચાલ નોંધાતી જોવા મળી હતી.

દરમિયાન સકારાત્મક યુએસ જોબ ડેટાના પગલે તેની અસર એશિયાઇ બજાર ઉપર જોવા મળી હતી. પાછલા સપ્તાહે છેલ્લે યુએસ ડાઉ જોન્સ શેરબજાર ઇન્ડેક્સ ૪૪૦ પોઇન્ટના ઉછાળે રપ,૩૩પ અને નાસ્ડેક શેરબજાર ઇન્ડેક્સ ૧૩ર પોઇન્ટના સુધારે ૭પ૬૦ પોઇન્ટની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. યુએસ એન્ડ પી શેરબજાર ઇન્ડેક્સ ૪૭ પોઇન્ટના સુધારે ર૭૮૬ પોઇન્ટના મથાળે બંધ જોવા મળ્યો હતો.

સોનામાં ૪૨૫નો કડાકો નોંધાયો
આજે શરૂઆતે સ્થાનિક બજારના સોનાના ભાવમાં ૪૨૫નો રૂપિયાનો કડાકો બોલાઈ ગયો હતો. રૂપિયાની મજબૂતાઈની ચાલના પગલે તથા વૈશ્વિક બજારમાં પણ સોનામાં ઘટાડાની અસરથી ઘરઆંગણે શરૂઆતે સોનાના ભાવમાં રૂ.૪૨૫નો ઘટાડો નોંધાઈ ૩૧,૨૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો.

ચાંદીમાં પણ પ્રતિ કિલોએ ૪૦૦નો ઘટાડો નોંધાઈ ૩૮,૮૦૦ પ્રતિ કિલોના મથાળે ભાવ ખૂલ્યો હતો. ઉલ્લેખનીય છે કે વૈશ્વિક બજારમાં સોનું ૧,૩૨૩ પ્રતિ ઓંશ ભાવ ખૂલ્યો હતો.

You might also like