મેટલ શેરમાં સુધારો જોવા મળતા શેરબજાર ગુલાબી

0 6

અમદાવાદ, બુધવાર
આજે શરૂઆતે શેરબજારમાં સુધારાની ચાલ નોંધાતી જોવા મળી હતી. મેટલ શેરની આગેવાનીએ શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૨૯ પોઇન્ટને સુધારે ૩૪,૪૨૯, જ્યારે એનએસઇ નિફ્ટી ૩૩ પોઇન્ટના સુધારે ૧૦,૫૬૯ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. સ્મોલકેપ અને મિડકેપ સહિત કેપિટલ ગુડ્સ સેક્ટરના શેરમાં પણ સુધારાની ચાલ જોવા મળી છે.

તો બીજી બાજુ જાહેર ક્ષેત્રની બેન્કના શેરમાં વધુ ગાબડાં પડેલાં જોવા મળ્યાં હતાં. પીએસયુ બેન્ક ઇન્ડેક્સમાં એક ટકાનો ઘટાડો નોંધાયો હતો. આરબીઆઈ લોન રિસ્ટ્રક્ચરિંગ પ્રોગ્રામ રદ કરવાની હોવાથી પીએસયુ બેન્કોને ફરી નફો કરતી થવામાં વિલંબ થઇ શકે છે.

આરબીઆઈની નવી માર્ગદર્શિકાથી જાહેર ક્ષેત્રની બેન્કોમાં એનપીએને વધારે ઝડપથી ઓળખી કાઢવામાં આવશે તેવા સેન્ટિમેન્ટ પાછળ મોટા ભાગની બેન્કના શેરમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી. એસબીઆઈ, પીએનબી, કેનેરા બેન્કનો શેર એકથી ચાર ટકા તૂટ્યો હતો.

આજે શરૂઆતે ભારતી એરટેલ, એચડીએફસી અને લાર્સન એન્ડ ટુબ્રો કંપનીના શેરમાં એક ટકાથી ૧.૭૦ ટકાનો શરૂઆતે સુધારો નોંધાતો જોવા મળ્યો હતો.

તો બીજી બાજુ સન ફાર્મા, એસબીઆઇ અને આઇસીઆઇસીઆઇ બેન્કના શેરમાં એકથી બે ટકાનો ઘટાડો નોંધાયો હતો. બેન્ક નિફ્ટી પણ પ્રેશરમાં જોવા મળી હતી. જાણકારોના જણાવ્યા પ્રમાણે સેન્ટિમેન્ટ જોતાં બજારમાં બંને તરફની વધઘટ નોંધાઇ શકે છે, જોકે રૂપિયામાં સુધારાની ચાલે બજારને સપોર્ટ કર્યો છે.

loading...

Leave A Reply

Your email address will not be published.