Stock Market : મજબૂત શરૂઆત બાદ સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યાં

અમદાવાદ: આજે શેરબજારમાં સેન્સેક્સ ૭૪.૦૫ પોઇન્ટ ઊછળીને ૩૮,૭૯૬ અને નિફ્ટી ૨.૮૫ પોઇન્ટની તેજી સાથે ૧૧,૬૯૪.૭૫ પર ખૂલી હતી, પરંતુ થોડી વારમાં જ સેન્સેક્સ અને નિફ્ટી રેડ ઝોનમાં આવી ગયા હતા. આજે પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં સુસ્ત ચાલ જોવા મળી હતી.

સેન્સેક્સમાં ૫૦ પોઇન્ટ જેટલો ઘટાડો થયો હતો, જ્યારે નિફ્ટી લગભગ ફ્લેટ જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરમાં નજીવી લેવાલી જોવા મળી છે.

બીએસઇનો મિડકેપ ઇન્ડેક્સ ૦.૩ ટકા વધ્યો છે, જ્યારે નિફ્ટીના મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સમાં ૦.૨ ટકાનો વધારો નોંધાયો છે. બીએસઇનો સ્મોલકેપ ઇન્ડેક્સ ૦.૨૫ ટકા વધ્યો છે. બેન્કિંગ અને ઓઇલ એન્ડ ગેસ શેરમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે.

બેન્ક નિફ્ટી ૦.૫ ટકા ઘટીને ૨૮.૦૭૩ની સપાટી પર આવી ગઇ છે, જોકે એફએમસીજી, મેટલ, ફાર્મા, રિયલ્ટી અને પાવર શેરમાં લેવાલી જોવા મળી રહી છે.

એચપીસીએલ, આઇઓસી, એક્સિસ બેન્ક, ટેક મહિન્દ્રા, ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ, યસ બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, કોટક મહિન્દ્રા બેન્ક અને મારુતિ સુઝુકી જેવા દિગ્ગજ શેરમાં ૦.૬થી ૧.૮ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે, જ્યારે યુપીએલ, પાવર ગ્રીડ, આઇટીસી, સન ફાર્મા, એનટીપીસી અને ભારતી એરટેલમાં ૦.૭૫થી બે ટકા સુધીનો ઉછાળો જોવાયો છે.

રૂપિયામાં ૦.૦૭ પૈસાના નજીવા સુધારા સાથે ડોલર સામે ૭૦.૬૬ની સપાટીએ જોવા મળ્યો હતો. ગઇ કાલે ડોલરની તુલનાએ ૪૫ પૈસાના ઘટાડા સાથે રૂપિયો ૭૦.૫૫ની સપાટીએ બંધ રહ્યો હતો.

You might also like